અમદાવાદ : અમદાવાદ શહેરમાં વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શહેરમાં અંદાજિત રૂ.2,600 કરોડના ખર્ચે નવા રિવર બ્રિજ, એલિવેટેડ કોરિડોર અને ફ્લાયઓવર બ્રિજ બનાવવાના આયોજનને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ટ્રાફિકથી વ્યસ્ત રહેતા રેલવે ક્રોસિંગ પર પણ ઓવરબ્રિજ બનાવવાનું આયોજન છે.વર્ષ 2026-2027ના રુ. 18,510 કરોડના વાર્ષિક બજેટમાં મંજૂર થયેલા આ પ્રોજેક્ટ્સ હવે ટેન્ડર પ્રક્રિયામાં મૂકવામાં આવ્યા છે.
રિપોર્ટ મુજબ, શહેરના પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં રોડ કનેક્ટિવિટી વધારવા સાબરમતી નદી પર બે નવા બ્રિજનું આયોજન કરવામાં આવ્યું છે. જે પ્રમાણે પૂર્વમાં આવેલા હાંસોલમાં એરપોર્ટ વિસ્તાર અને પશ્ચિમમાં કોટેશ્વર મોટેરા વિસ્તારને જોડતો નવો રિવર બ્રિજ બનશે. આ ઉપરાંત CRRIના ટ્રાફિક સર્વે રિપોર્ટના આધારે શાહીબાગ ડફનાળાથી પશ્ચિમ કાંઠાને જોડતાં નવા બ્રિજની દરખાસ્ત કરવામાં આવી છે. આ સિવાય પશ્ચિમ અમદાવાદના સૌથી વ્યસ્ત રોડ પર ટ્રાફિક હળવો કરવા રુ.1 હજારના ખર્ચે મેગા એલિવેટેડ કોરિડોર તૈયાર થશે.
આ ઉપરાંત શહેરના પશ્ચિમ વિસ્તારમાં બોપલ એસપી રિંગ રોડથી ઘુમા એલિવેટેડ કોરિડોર (પશ્ચિમ ભાગ) નહેરુનગર-શિવરંજની-રામદેવનગર જંકશન કોરિડોર, ઇસ્કોન બ્રિજ એલિવેટેડ કોરિડોર (પશ્ચિમ ભાગ) તેની સિવાય રાણીપ રાધા સ્વામી રોડથી અચેર ડેપો, દાણીલીમડા ચાર રસ્તાથી ખોડિયારનગર ફ્લાયઓવર અને પ્રેરણાતીર્થ દેરાસરથી માનસી સર્કલ એલિવેટેડ કોરિડોરનું પણ આયોજન છે.
જયારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સ્થિત દરિયાપુર દરવાજાથી દિલ્હી દરવાજા એલિવેટેડ કોરિડોર અને નરોડા પાટિયા ફલાયઓવર સહિતના કામો હાથ ધરાશે. જ્યારે રુ.225 કરોડના ખર્ચે મેમ્કો જંકશન, ભક્તિનગર સર્કલ-કઠવાડા જંક્શન અને ચાંદલોડિયા-ગોતા ખાતે સિલ્વર સ્ટાર જંકશન ફ્લાયઓવર બ્રિજ બનશે.
શહેરના ટ્રાફિકથી ધમધમતા પાંચ રેલ્વે ક્રોસિંગ પર ફાટકની સમસ્યા કાયમી ધોરણે ઉકેલવા માટે રુ. 775 કરોડના ખર્ચે રેલ્વે ઓવરબ્રિજ બનશે. જેમાં મણિનગર રેલવે ક્રોસિંગ પર નવો ઓવરબ્રિજ અને લાઈન ડાયવર્ઝન, મણિનગર-ઘોડાસરને જોડતો રેલવે ઓવરબ્રિજ, વટવા GIDC અને વિંઝોલને જોડતો રેલવે ઓવરબ્રિજ, ગેરતપુર સ્ટેશન રેલવે ફાટક ઓવરબ્રિજ અને એપ્રોચ રોડ અને સરખેજ રેલવે ક્રોસિંગ ઉપર નવો રેલવે ઓવરબ્રિજ (આ ઉપરાંત બુટભવાની રેલવે ઓવરબ્રિજનું પણ આયોજન છે).
કોમનવેલ્થ ગેમ્સ પહેલા રિવરફ્રન્ટના પૂર્વ છેડેથી સીધા એરપોર્ટ જવા માટે રુ.30 કરોડના ખર્ચે અંડરપાસ બનાવવાની યોજના છે. તેમજ પિરાણા-પીપળજ રોડ અને વસ્ત્રાલ મેટ્રો પાસે માઇનોર બ્રિજ અને શહેરના 11 બ્રિજ નીચે અંડર સ્પેસ ડેવલપ કરવા માટે રુ.25 કરોડનો ખર્ચ કરાશે. ત્રાગડ અને દિવ્ય જ્યોત સ્કૂલથી શીલજ (થલતેજ) અંડરપાસ (રૂ. 50 કરોડ), નીમા ફાર્મ-મુમતપુરા અંડરપાસ (રૂ. 10 કરોડ – PPP ધોરણે) અને સીટીએમ ચાર રસ્તા-અનાજ માર્કેટ ગેટ અંડરપાસ (રૂ. 10 કરોડ) તૈયાર કરાશે.


