અમદાવાદ : અમદાવાદમાં મિલકત ખરીદનારા અને પ્રોપર્ટી કાર્ડ કઢાવવા માંગતા અરજદારો માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. હવેથી રજિસ્ટર્ડ દસ્તાવેજના આધારે પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટે જૂના માલિકોની સહીની હવે કોઈ જરુરિયાત રહેશે નહીં. અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં આ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે અને કલેક્ટરે તમામ સબ રજિસ્ટ્રારોને આ અલેખિત નિયમ તાત્કાલિક અસરથી રદ કરવાની કડક સૂચના આપી છે.
રિપોર્ટ મુજબ, અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં મિલકતધારકોની સુવિધા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ દ્વારા સંકલન સમિતિની બેઠકમાં અમદાવાદ કલેક્ટર સામે અરજદારોને પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી હતી. આ રજૂઆતને ગંભીરતાથી લઈને કલેક્ટકરે હાજર સબ રજિસ્ટ્રારોને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, દસ્તાવેજના આધારે પ્રોપર્ટી કાર્ડ બનાવતી વખતે જો જૂના માલિકની સહી ઉપલબ્ધ ન હોય, તો પણ અરજદારનું કામ અટકાવ્યા વિના સરળતાથી પ્રોપર્ટી કાર્ડ બનાવી આપવું.
આ અગાઉ પ્રોપર્ટી કાર્ડ કઢાવવા માટે દસ્તાવેજમાં સામેલ તમામ જૂના માલિકોની સહી લેવી ફરજિયાત ગણવામાં આવતી હતી.જેના કારણે જો કોઈ એક જૂના માલિકની સહી ન મળે અથવા તેમનો સંપર્ક ન થઈ શકે, તો અરજદારનું પ્રોપર્ટી કાર્ડ નીકળી શકતું ન હતું.જેના કારણે પ્રોપર્ટી કાર્ડ કઢાવવાની પ્રક્રિયા અટકી જતી હતી.કોઈ એક જૂના માલિકની સહી ન મળવાના કારણે કે તેમનો સંપર્ક ન થઈ શકવાના લીધે અરજદારોના પ્રોપર્ટી કાર્ડ અટકી પડતા હતા, તે સમસ્યાનો હવે અંત આવશે.
જાણકારોનો મત મુજબ, જૂના માલિકોની સહી લેવાનો કોઈ સત્તાવાર કે લેખિત નિયમ જ નહોતો, છતાં રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજમાં સામેલ તમામ જૂના માલિકોની સહી લેવી ફરજિયાત ગણવામાં આવતી હતી. જેના કારણે અરજદારોને કારણ વગર ધક્કા ખાવા પડતા હતા. સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરની આ સૂચના બાદ આ અલેખિત પ્રથા બંધ થશે. આ ફેરફારથી રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ ધરાવતા નાગરિકો માટે સિટી સર્વે કચેરીમાંથી પ્રોપર્ટી કાર્ડ મેળવવાની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનશે.જેનાથી હજારો મિલકતધારકોના સમય અને શક્તિનો બચાવ થશે.
અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં વહીવટી પારદર્શિતા વધારવા માટે પણ એક નવી પહેલ કરવામાં આવી છે. વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરના સૂચન બાદ, ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નો અને રજૂઆતોનું સ્ટેટસ જાણવા માટે આગામી બેઠકથી એક નવી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે. આ એપ પર તમામ ધારાસભ્યો પોતાના પ્રશ્નોની યાદી, તેની વર્તમાન સ્થિતિ અને કેટલા ટકા કામગીરી પૂર્ણ થઈ છે તેનો રિયલ-ટાઈમ ડેટા જોઈ શકશે.


