અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારોના રહીશો માટે વર્ષોથી સમસ્યારુપ બનેલી ખારીકટ કેનાલ હવે શહેરની નવી ઓળખ બનવા જઈ રહી છે. સાબરમતી રિવરફ્રન્ટના બંને માર્ગોની જેમ જ ખારીકટ કેનાલ ઉપર તૈયાર થયેલા નવા આઇકોનિક રોડ પર ભારે વાહનો માટે સંપૂર્ણ પ્રવેશબંધી ફરમાવવાનો નિર્ણય લેવાયો છે. ધારાસભ્યો, પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓની સંયુક્ત સમીક્ષા બેઠકમાં આ અંગે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.
રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા નરોડાથી ન્યૂ મણિનગર એક્સપ્રેસ હાઈવે સુધીની 13.5 કિલોમીટર લાંબી કેનાલને અંડરગ્રાઉન્ડ કરીને તેની ઉપર રસ્તો બનાવવાની પ્રથમ તબક્કાની કામગીરી અંદાજે રુ.1500 કરોડના ખર્ચે પૂર્ણ થઈ ચૂકી છે. હવે તેના બ્યુટીફિકેશન પર ભાર મૂકવામાં આવી રહ્યો છએ. કેનાલની બંને તરફ આવેલા 500થી 1000 વાર સુધીના 27 નાના-મોટા પ્લોટમાં લોકોના મનોરંજન માટે ગાર્ડન, કાફે એરિયા, ફૂડ કોર્ટ અને એમ્યુઝમેન્ટ પાર્ક જેવા આકર્ષણો વિકસાવવામાં આવશે.
નવા બનેલા રોડ પર ટ્રાફિક વ્યવસ્થા સુગમતાથી જળવાય અને માર્ગ દુર્ઘટનાઓ અટકે તે માટે ખાસ આયોજન કરાયું છે. ભારે વાહનો આ માર્ગ પર ઘૂસી ન જાય તે માટે રસ્તા પર હાઈટ બેરિયર લગાવવામાં આવશએ. કેનાલ રોડ પર આતા આશરે 15 જેટલા રસ્તાઓ પર ટ્રાફિકની સ્થિતિ ન સર્જાય તે માટે ખાસ કેપ્સૂલ ડિઝાઈન તૈયાર કરવાની સૂચના અપાઈ છે.આ આઇકોનિક રોડના નિર્માણથી સમગ્ર વિસ્તારના પરિવહન માળખામાં નોંધપાત્ર સુધારો થશે અને કેનાલના પટ્ટાને નવો આકર્ષક ઓપ મળશે.
હાલમાં કેનાલની ઉપર બંને તરફ બે-બે લેનના મુખ્ય રસ્તા તૈયાર થઈ ગયા છે, હવે બંને બાજુ સર્વિસ રોડ બનાવવામાં આવશે. આ સર્વિસ રોડની ડિઝાઈનમાં સ્થાનિક રહીશોની સુવિધાનું ખાસ ધ્યાન રખાયું છે. સર્વિસ રોડ મુખ્ય રસ્તા કરતાં જરૂરિયાત મુજબ બેથી અઢી ફૂટ નીચો બનાવવામાં આવશે આનાથી આસપાસની સોસાયટીઓના આંતરિક રસ્તા અને સર્વિસ રોડ એક લેવલમાં થઈ જશે, જેથી ચોમાસામાં સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા કાયમી ધોરણે ઉકેલાઈ જશે અને મુખ્ય રોડ તથા સર્વિસ રોડનો ટ્રાફિક પણ અલગ રહી શકશે.
આ પ્રોજેક્ટની સમયમર્યાદા બાબતે પણ ખૂબ જ કડક અને સ્પષ્ટ લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. મનપા પ્રશાસન દ્વારા આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં આ આઇકોનિક રોડનું સમગ્ર બાંધકામ પૂર્ણ કરવાનો ચોક્કસ ટાર્ગેટ નિર્ધારિત કરવામાં આવ્યો છે. સમયસર કામગીરી પૂર્ણ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને ચોક્કસ દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે. આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે 16 કિલોમીટર લાંબો આ માર્ગ સંપૂર્ણપણે તૈયાર થઈ જાય તે સુનિશ્ચિત કરવા માટે મનપા તંત્ર દ્વારા તમામ વહીવટી અને ટેકનિકલ પ્રક્રિયાઓ ઝડપી બનાવવામાં આવી રહી છે.


