અમદાવાદ : અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં નશાકારક પદાર્થોના દૂષણ સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે શહેરના ઘાટલોડિયા પોલીસે બાતમી અને સઘન તપાસના આધારે ચરસના જથ્થા સાથે 5 શખ્સોને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. શહેરના પોશ અને રહેણાંક વિસ્તારોમાં યુવાનોને નશાના રવાડે ચડાવતી પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસની આ કામગીરી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
રિપોર્ટ મુજબ, ઘાટલોડિયા પોલીસે બાતમીવાળા સ્થળ પર ઓચિંતો દરોડો પાડીને માદક પદાર્થ ચરસ જેવા કેફી દ્રવ્યના જથ્થા સાથે કુલ 5 શખ્સોને રંગે હાથે ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં દિગ્વિજય દરબાર, રૂપેશ ગોસ્વામી, શિવમ ગોસ્વામી, બ્રિજેશ પટેલ અને કિશન પટેલનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં આ તમામ શખ્સો મિત્રો સાથે ભેગા થઈને ચરસનું સેવન કરવા માટે એકત્રિત થયા હોવાનું સામે આવ્યું છે.
આરોપીઓના કબજામાંથી રૂપિયા 11 હજારની કિંમતનું 47 ગ્રામ ચરસ મળી આવ્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં એવી હકીકત સામે આવી છે કે મુખ્ય આરોપીઓમાંનો એક દિગ્વિજય પરમાર કુણાલ નામના વ્યક્તિ પાસેથી આ ચરસનો જથ્થો લઈ આવ્યો હતો, જ્યારે અન્ય આરોપીઓ તેનું સેવન કરવા માટે એકઠા થયા હતા, તે દરમિયાન જ પોલીસે તેમને રંગેહાથ ઝડપી લીધા હતા.
આ સમગ્ર મામલે ઘાટલોડિયા પોલીસે ચરસ ઉપરાંત ગુનામાં વપરાયેલા 5 વાહનો અને 6 મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 1.63 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે તમામ પાંચ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ નશાકારક પદાર્થનો જથ્થો ક્યાંથી અને કોના દ્વારા લાવવામાં આવ્યો હતો તેમજ આ નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે, તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે, આ પકડાયેલા શખ્સોએ ચરસનો આ જથ્થો ‘કુણાલ’ નામના અન્ય એક શખ્સ પાસેથી ખરીદ્યો હતો. આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે ઘાટલોડિયા પોલીસે કુણાલને મુખ્ય વોન્ટેડ જાહેર કર્યો છે અને તેને ઝડપી પાડવા માટે વિશેષ ચક્રો ગતિમાન કર્યા છે. ઘાટલોડિયા પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારના નશાના કારોબારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.


