અમદાવાદ : અમદાવાદ શહેરમાં વધતા વાહનો સાથે પાર્કિગની સમસ્યા થઈ છે. તેને ઉકેલવા માટે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. શહેરના 12 એએમટીએસ અને બીઆરટીએસ ડેપો ખાતે કુલ 5530 વાહનો પાર્ક થઈ શકે તેવી પે એન્ડ પાર્ક સુવિધા ઊભી કરવાની તૈયારી શરુ કરાઈ છે. આ માટે મ્યુનિસિપલ તંત્ર દ્વારા પાર્કિંગના કોન્ટ્રાક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા પણ શરુ કરી દેવામાં આવી છે.
રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરનાં 12 એએમટીએસ, બીઆરટીએસ ડેપોમાં 5530 વાહનના પાર્કિંગની સુવિધા ઊભી કરાશે. નાગરિકો સવારે 9 થી સાંજે 7 સુધીમાં આ ડેપોમાં વાહન પાર્ક કરી શકશે.આ માટે નક્કી કરેલો ચાર્જ આપવાનો રહેશે. મ્યુનિ.એ પાર્કિંગના કોન્ટ્રાક્ટ માટેનું ટેન્ડર જાહેર કર્યું છે. નિયત સમય સિવાય વાહન પ્લોટમાં હશે કોન્ટ્રાક્ટર પાસેથી એક વાહનના કલાકદીઠ રૂ.100 દંડ વસૂલાશે.અમદાવાદના નોકરિયાતો અને નાગરિકો આ 12 ડેપો પર સવારે 9 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી નિર્ધારિત ચાર્જ ચૂકવીને પોતાના વાહનો પાર્ક કરી શકશે.
શહેરમાં નવા વાડજ, વસ્ત્રાલ, મેમ્કો, નારણપુરા, ઓઢવ, મેમનગર અને રાણીપ વિસ્તારોના ડેપોમાં ટુ-વ્હીલર અને ફોર વ્હીલર માટે પાર્કિંગ ક્ષમતા નક્કી કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ડેપો ખાતે પે એન્ડ પાર્ક સુવિધા શરૂ થવાથી સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને રસ્તા પર પાર્કિંગની મુશ્કેલીમાંથી મોટી રાહત મળવાની અપેક્ષા છે.


