અમદાવાદ : સમગ્ર ગુજરાત સહીત અમદાવાના પ્રખ્યાત લાલ દરવાજા વિસ્તારમાં આવેલા ભદ્ર પ્લાઝામાં છેલ્લા કેટલાય સમયથી પાથરણાંવાળાના દબાણના કારણે ખૂબ જ ટ્રાફિક થતો હતો. નગરજનોને ભદ્રકાળી મંદિરે પણ આવવા-જવા માટેની જગ્યા રહેતી ન હતી. AMCના એસ્ટેટ વિભાગ દ્વારા ભદ્ર વિસ્તારમાં આવેલા પાથરણાંવાળાનો સર્વે કરી અને જેટલા લોકો પાસે વેન્ડર કાર્ડ છે તેટલા 206 લોકોને બેસવા માટેની પરમિશન આપવામાં આવી હતી. 375 જેટલા પાથરણાંવાળા ગેરકાયદે બેસતા હોવાથી તેઓને ત્યાંથી દૂર કરવામાં આવ્યા હતા. જે પણ ગેરકાયદે બેસતા હશે, તેઓને ત્યાંથી દૂર કરવાની કાર્યવાહી આગામી દિવસોમાં ચાલુ રહેશે.
લાલ દરવાજા ભદ્રકાળી મંદિરથી ત્રણ દરવાજા સુધી 1500થી 2000 જેટલા પાથરણાંવાળાના દબાણના કારણે ખૂબ જ ટ્રાફિક થતો હતો. વાહનોની અવર-જવરની સાથે લોકોને પણ ખૂબ જ તકલીફ પડતી હતી. જેને લઈને અનેક વખત રજૂઆતો છતાં પણ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. AMCના એસ્ટેટ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલા કુલ 844 જેટલા જ પાથરણાંવાળાને બેસવા માટેની પરમિશન હોવાથી આજે એસ્ટેટ વિભાગ દ્વારા ગેરકાયદેસર રીતે બેસતા પાથરણાંવાળાને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ભદ્ર મંદિરથી પ્રેમાભાઈ હોલ અને પ્રેમાભાઈ હોલથી ત્રણ દરવાજા સુધી એમ સેવા સંસ્થાના 372 અને સેલો સંસ્થાના 472 એમ 844 જેટલા જ પાથરણાંવાળાને બેસવાની પરમિશન છે. આજે ચેકિંગ દરમિયાન સેવા સંસ્થાના 116 અને સેલો સંસ્થાના 103 એરીયાઓનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં 206 ફેરિયાઓ પાસેથી કાર્ડ મળી આવ્યા હતા, જેમને બેસવાની પરમિશન આપવામાં આવી હતી. બાકીના ગેરકાયદેસર રીતે બેસતા લોકોને ત્યાંથી દૂર કરવામાં આવ્યા હતા. જેથી હવેથી જો વધારાના ફેરિયાઓ બેસે તો તેમને ત્યાંથી દૂર કરવામાં આવશે તેમ એસ્ટેટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.