અમદાવાદ : અમદાવાદમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા મંગળવારે બે અલગ અલગ ગુના નોંધીને કાર્યવાહી કરી હતી. જેમાં વેજલપુર દક્ષિણ પશ્ચિમ ઝોનના કોમ્પ્યુટર ઓપરેટરને રેશન કાર્ડ કઢાવવાના બદલામાં રૂપિયા 500 ની લાંચ લેતા અને UGVCL પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલને રૂપિયા 5000ની લાંચ લેતો ઝડપાયો હતો. આ અંગે ACBએ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ વર્ષ 2020માં ફરિયાદીના પિતા વિરુદ્ધ વીજચોરીના ગુનો નોંધાયો હતો. જેમાં આરોપીએ 1.27 લાખ ભરવાના હતા જે અંગે નોટિસ આપી 7 દિવસમાં પૈસા ભરવા જણાવ્યું હતું. આરોપી આટલી રકમ એક સાથે ભરી શકે તેમ નહોતું જેથી કેસ લોક અદાલતમાં મોકલવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ સાબરમતી UGVCLનો પોલીસ કોન્સ્ટેબલ પુષ્પેન્દ્રસિંહ ચંદાવત હેરાન કરી રહ્યો હતો. આરોપીએ હેરાન ન કરવા વિનંતી કરી, ત્યારે કોન્સ્ટેબલ 10 હજાર રૂપિયાની માગ કરી હતી.જેમાં રકઝકના અંતે પાંચ હજારની રકમ નક્કી થઇ હતી. જે અનુસંધાનમાં ફરિયાદીએ ACBને જાણ કરતા સુભાષબ્રીજ સર્કલ પાસે છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કોન્સ્ટેબલ પુષ્પેન્દ્રસિંહ લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.સમગ્ર મામલે ACBએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બીજી ટ્રેપમાં જુહાપુરામાં રહેતા વ્યક્તિએ રાશન કાર્ડ બનાવવા માટે AMCની મકતમપુરા વોર્ડની સબ ઝોનલ ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર સુનિલ ભોજાવિયાનો સંપર્ક કર્યો હતો. જે માટે તેણે 4500 રૂપિયા માંગ્યા હતા અને તે પૈકી ત્રણ હજાર રૂપિયા ચુકવી દેવામાં આવ્યા હતા.જ્યારે બાકીના 1500 પૈકી 500 રૂપિયા લેવાનું નક્કી કર્યું હતું. જે અંગે ફરિયાદીએ ACBને જાણ કરતા ACBએ એપીએમસીના મુખ્ય ગેટ પાસે છટકું ગોઠવ્યું હતું.જેમાં સુનિલ ભોજાવિયા વતી લાંચ લેતા તેના કમરૂદ્દીન શેખ નામના મળતિયાને ઝડપી લેવામાં આવ્યો હતો. આ બંને ગુના અંગે ACBએ વધુ તપાસ શરૂ કરી છે.


