અમદાવાદ: રાજકોટની આગની ઘટના બાદ અમદાવાદમાં શાળાઓની સીલ કરવાની કામગીરી હજુ પણ યથાવત છે. AMCની સીલીંગ કાર્યવાહીના ઘેરા પ્રતાપ પડ્યા છે. છેલ્લા બે દિવસમાં 64થી વધુ શાળાઓ સીલ કરવામા આવતા શાળા સંચાલક મંડળ રોષે ભરાયું છે. શાળાઓ દર 3 વર્ષે સ્ટ્રકચર એન્જીનિયરનુ સ્ટેબિલીટી સર્ટિફિકેટ રજૂ કરે તો તેવી શાળાઓને મંજૂરી આપવી રજૂઆત સાથે શાળા સંચાલક મંડળ મુખ્યમંત્રીને રજૂઆત કરશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ શાળા સંચાલક મંડળના હોદ્દેદારોની એક બેઠક મળી હતી. અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં અંદાજીત 64 જેટલી શાળાઓ અને પ્રિ-સ્કૂલને સીલ કરવામાં આવી છે ત્યારે શાળા સંચાલકોમાં રોષ ફાટી નિકળ્યો છે. સંચાલકોએ આ સમગ્ર મામલે તાત્કાલિક બેઠક બોલાવી શું કરી શકાય તેની ચર્ચા કરી હતી.આ બેઠકમાં કોર્પોરેશનના વલણ અને કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો અને આ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યુ હતું કે, શાળાને જ્યારે પણ શિક્ષણ વિભાગ દ્વારા પરમિશન આપવામા આવે છે ત્યારે બીયુ પરમિશન, ફાયર એનઓસી અને 30 વર્ષના ભાડા કરાર સહિતના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામા આવે છે અને ત્યારબાદ પરમિશન આપવામા આવે છે, ત્યારે કોર્પોરેશન વિભાગે શાળાઓ મામલે કંઇક વિચાર કરવો જોઈએ. ભૂકંપ બાદ 2001 બાદ બીયુ પરમિશન અમલમાં આવી છે એટલે જે શાળાઓ 2001 બાદ બની છે તેમની પાસે બીયુ પરમિશન હોવું જોઈએ. જોકે જે શાળાઓ 2001 પહેલા બની છે તેમની પાસે બીયુ પરમિશન ન હોય તે સ્વભાવિક છે.
રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ અમદાવાદમાં ફાયર અને એસ્ટેટ વિભાગ હરકતમાં આવ્યુ છે અને શાળાઓ સામે બીયુ પરમિશન અને ફાયર એનઓસીને લઇને કાર્યવાહી કરવામાં આવી રહી છે.