અમદાવાદ: અમદાવાદની નામાંકિત અને હાઈ ફાઈ હોટલ્સની ફૂડ આઈટમમાંથી જીવાત નીકળવાના કિસ્સા સતત વધી રહ્યા છે. પીઝા, પાસ્તા, કોલ્ડડ્રિંકસમાંથી જીવાતો નીકળવાના સમાચારો અગાઉ સામે આવ્યા છે.આપણે વિચાર્યું પણ ના હોય તેવી અજીબોગરીબ વસ્તુઓ નીકળી રહી છે.છેલ્લાં કેટલાય સમયથી દેડકો, વંદો જેવા વસ્તુઓ નીકળ્યા બાદ હવે અથાણામાંથી ગરોળી અને ઠંડાપીણાંમાંથી કાનખજુરો નીકળ્યાની ઘટનાઓ અમદાવાદમાંથી સામે આવી છે.જેને કારણે શહેરના ફૂડ લવર્સમાં રોષ ફેલાઈ રહ્યો છે.
અમદાવાદમાં નરોડાની હોટલમાં જમવામાં આવેલા લોકોને કડવો અનુભવ થયો છે. નરોડામાં આવેલ મયુર હોટલમાં જમવા ગયા હતા. જયારે તેઓએ જમવાનું મંગાવ્યું તો તેમાંથી મરેલો વંદો નીકળ્યો હતો જે બાદ ગ્રાહકે તેનો વીડિયો બનાવ્યો અને તે હાલ વાયરલ થઇ રહ્યો છે.આ હોટલના જમવાની થાળીમાં વંદો નીકળતા ચકચાર મચી ગઈ છે.
અમદાવાદના આનંદનગરમાં રહેતા જોધપુરના રાવલ ફેમેલીને ખુબ ખરાબ અનુભવ થયો છે. ગૃહઉદ્યોગમાંથી લાવેલા અથાણામાંથી ગરોળી નીકળી છે.ગત 28 મેં ના રોજ વેજલપુરના શ્રેયસ કોમ્પલેક્ષમાં આવેલા જૈન ગૃહઉદ્યોગ માથી અથાણું ખરીદ્યુ હતું.અથાણું દરરોજ થોડું થોડું વપરાશમાં લેવાતું હતું ત્યારે ગઈકાલે અથાણું ખતમ થવા આવતા બરણીની આખરમાં આખી નાનકડી ગરોળી નીકળી હતી.જણાવી દઈએ કે, અથાણાંના દરરોજના વપરાશના કારણે છેલ્લે એક મહિનાથી પરિવારને ઝાડ ઊલટીની અસર થઈ છે.
તો બીજી બાજુ સરખેજના પાન પાર્લરમાંથી લીધેલી ઠંડા પીણાની બોટલમાંથી કાનખજુરો નીકળ્યો હોવાનો અહેવાલ સામે આવ્યા છે. ગ્રાહક દ્વારા વિડીયો બનાવીને વાયરલ થતા હકીકત સામે આવી છે.ગ્રાહકે સરખેજમાં આવેલ ગંજ પાન પાર્લરમાંથી બોટલ લીધી હતી. આ ઠંડુ પીણું પીધા પછી તબિયત લથડી હોવાનો ગ્રાહકે દાવો કર્યો છે. મહત્વનું છે કે, હાલ તો AMCએ વિડીયોની આધારે પાન પાર્લર સીલ કર્યુ છે.
આ અગાઉ શહેરના નિકોલ વિસ્તારમાં દેવી ઢોંસા નામની રેસ્ટોરન્ટમાંથી સંભારના જગમાંથી તેમણે વાટકીમાં જ્યારે સંભાર કાઢ્યો ત્યારે એમાં ઉંદરનું બચ્ચું નીકળ્યું હતું, જેના કારણે તાત્કાલિક તેમણે રેસ્ટોરન્ટમાં હાજર વ્યક્તિને બોલાવી અને બતાવ્યું હતું. ખાણી-પીણીની ચીજવસ્તુઓમાંથી આ રીતે ઉંદરનું બચ્ચું નીકળ્યું હોવાથી AMCના ફૂડ વિભાગની ટીમને પણ ફરિયાદ કરી હતી.
સ્ટેન્ડિંગ કમિટીએ વિવિધ વિસ્તારમાં ચાલતા રાત્રિ ખાણીપીણી બજારમાંથી ખાદ્યપદાર્થના સેમ્પલ લેવાની અધિકારીઓને સૂચના આપી છે. અત્યારે આરોગ્ય વિભાગની ટીમ તપાસ કરે છે પણ તેને વધુ અસરકારક બનાવવા કહ્યું છે. જેથી લોકોને વધુ સ્વચ્છ અને આરોગ્યપ્રદ ભોજન મળી શકે.