અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરમાં વિઝિટર ડોક્ટર તરીકે ફરજ બજાવતા ગાયનેકોલોજીસ્ટ દ્વારા અર્બન હેલ્થ સેન્ટરમાં દવા લેવા આવતા દર્દીની સાથે અયોગ્ય વર્તન અને તેમની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે આવવા અંગે જણાવવામાં આવ્યું હોવા અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેને લઈને વિઝિટર તરીકે ફરજ બજાવતા ગાયનેકોલોજિસ્ટ ડો.રાહુલ મોદીને તાત્કાલિક અસરથી વિઝિટીંગ ડોક્ટર તરીકે હટાવી દેવામાં આવ્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ નવા વાડજ અર્બન હેલ્થ સેન્ટરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો, જેમાં ગાયનેકોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા ડૉ. રાહુલ મોદી અર્બન હેલ્થ સેન્ટરમાં દવા લેવા આવતા દર્દીની સાથે અયોગ્ય વર્તન અને તેમની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે આવવા અંગે જણાવવામાં આવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.અઠવાડિયામાં એક દિવસ માત્ર એક કલાક માટે આવે છે અને ન્યુ રાણીપ ખાતે આવેલી તેમની શિવમ હોસ્પિટલમાં સોનોગ્રાફી માટે રિફર કરતા હોવાનું ધ્યાન આવ્યું છે.
સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોમાં ડૉ. રાહુલ મોદી તેઓને ઓપરેશન હતું,જેથી એક કલાક મોડા આવ્યા હોવાનું અને ન્યુ રાણીપ ખાતેની પોતાની શિવમ હોસ્પિટલમાં બતાવવા આવવા માટે પણ કહેતા હોવાનું જણાય છે. અર્બન હેલ્થ સેન્ટરમાં જે ડોક્ટરનો ટાઈમ લખ્યો છે તે ડોક્ટરનો ટાઈમ બદલવા માટે પણ કહે છે અને ડોક્ટર બદલવાની ઓથોરિટી હોય તો બદલી નાખો, મને કોઈ ફરક નથી પડતો તેમ કહેતા વીડિયોમાં નજરે પડ્યા હતા.
આ વીડિયોને ધ્યાનમાં રાખી તાત્કાલિક ધોરણે કોર્પોરેશનમાં તેઓને વિઝિટર ડોક્ટર તરીકે તેઓને ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ડૉ.રાહુલ મોદી શહેરના નવા વાડજ, ન્યુ રાણીપ અને વાડજ એમ ત્રણ અર્બન હેલ્થ સેન્ટરમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા અને ત્રણેય જગ્યાએથી તેઓની આ વિઝિટર ડોક્ટર તરીકેની સેવામાંથી તેમને મુક્ત કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે અમદાવાદ મ્યુ કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટરમાં વિઝિટર ડોક્ટર તરીકે ગાયનેકોલોજીસ્ટ સહિતના કેટલાક ડોક્ટરો ફરજ બજાવતા હોય છે. જેમને રાજ્ય સરકારના નક્કી કરેલા વેતન પ્રમાણે પૈસા ચૂકવવામાં આવે છે. અઠવાડિયામાં એક વખત તેઓ સવારે 9:00થી બપોરે 1:00 વાગ્યા સુધી ફરજ બજાવે છે.