અમદાવાદ : બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય અલ્પસંખ્યકો પર હુમલાના પડઘાં હવે સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ પડી રહ્યા છે. છેલ્લા કેટલાક સમય ભારતમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન અને આંદોલનો યોજાઇ રહ્યા છે. ત્યારે આજે (10 ડિસેમ્બર)ના રોજ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે વહેલી સવારે વિશાળ માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમાં ભાજપના કાર્યકરો, હિન્દુ સંગઠનો સંત સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.
અમદાવાદ શહેરમાં હિન્દુ હિત રક્ષક સમિતિ, ભારતીય જનતા પાર્ટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાથે મળીને વલ્લભ સદન રિવરફ્રન્ટ ખાતે વિશાળ માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારના 8.30 થી 9.15 સુધી વલ્લભ સદનથી ઉસ્માનપૂરા રિવરફ્રન્ટ પાર્ક સુધી માનવ સાંકળ રચાઈ હતી. અહીં ખાસ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરના વિવિધ બોર્ડમાંથી ઓછામાં ઓછા 150 લોકો સહિત ભારતીય જનતા પાર્ટીના સંત સમિતિના સભ્યો પણ વહેલી સવારથી જ રિવરફ્રન્ટ ખાતે હાજર રહ્યા હતા. આ ઉપરાંત બાંગ્લાદેશમાં અત્યાચાર બંધ કરો બંધ કરો સહિત વિવિધ નારા લગાવવામાં આવ્યા હતા. આજની માનવ સાંકળમાં અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સહિત સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સહિત ભારતીય જનતા પાર્ટીના બોર્ડ પ્રમુખ અને ધારાસભ્યો પણ હાજર રહ્યા છે. હાથમાં વિવિધ બેનરો લઈ હિન્દુ પર થતાં અત્યાચાર બંધ કરવા નારા પોકારી વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે ચિન્મયદાસજી મહારાજને મુક્ત કરવા માટે પણ નારા લગાવ્યાં હતાં
આ દરમિયાન બાંગ્લાદેશમાં અત્યાચાર બંધ કરોના નારાથી રિવરફ્રન્ટ ગૂંજી ઉઠ્યું હતું. હાલ અમદાવાદની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ હાથમાં બેનર અને પ્લેકાર્ડ લઇને રિવરફ્રન્ટ ખાતે પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને ભાજપના ધારાસભ્ય અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.