અમદાવાદ : રાજ્ય સરકાર દ્વારા જંત્રીના સૂચિત દરમાં કરાયેલા તોતિંગ વધારાની સામે બિલ્ડર્સે હવે સરકાર સામે બાંયો ચડાવી છે. સરકારે વાંધા અરજી રજૂ કરવા માટેની મુદત તો એક મહિનો વધારી આપી છે.જંત્રીદરમાં કરાયેલા સૂચિત વધારાના વિરોધમાં આજે ક્રેડાઈ, બિલ્ડર એસોસિયેશન દ્વારા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતનાં શહેરોમાં રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.આજે જંત્રીના વિરોધમાં અમદાવાદના બિલ્ડરોએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યુ હતું.આ તરફ હવે બિલ્ડરોએ આવેદનપત્ર આપી વાંધા અરજીઓનો સમય 31 માર્ચ સુધી લંબાવી આપવા રજૂઆત કરી છે.
રાજ્યમાં એપ્રિલ 2025થી લાગુ થનાર જંત્રીનો બિલ્ડરો વિરોધ કરી રહ્યા છે. જેને લઈ આજે અમદાવાદ કલેકટર કચેરી ખાતે ક્રેડાઈના સભ્યોએ આવેદન પત્ર આપ્યુ હતું. આ આવેદન પત્રમાં વાંધા અરજીઓનો સમય 31 માર્ચ સુધી લંબાવી આપવા રજૂઆત કરી તો વાંધા અરજી જે ઓનલાઇન કરવામાં આવે છે એને ઓફ લાઈન કરવા પણ માંગ કરાઇ છે. બિલ્ડરોનું કહેવું છે કે, સરકારે અરજી ઓફલાઇન તો કરી પણ કોને અરજી આપવાની એનો કોઈ ઉલ્લેખ નથી.
આ તરફ હવે ક્રેડાઈ ગુજરાતની 40 ઓફિસમાં ઓફલાઈન અરજી સ્વીકારશે ત્યારબાદ સરકારને સુપ્રત કરશે. બિલ્ડરોની માંગ છે કે, મુખ્યમંત્રી અને મહેસુલના અધિકારીઓ સાથે બિલ્ડરોની સંયુક્ત મિટિંગ થાય છે સાયન્ટિફીક પદ્ધતિથી કરાયેલા જંત્રી વધારાની સમજ માટે ડેવલપર સાથે ચર્ચા થાય. મહત્વનું છે કે, સૂચિત જંત્રી લાગુ થશે તો પ્રોપર્ટીમાં 30 થી 40 ટકા ભાવ વધારો થશે.તેમજ સામાન્ય લોકો પર આની ભારે અસર પડશે. તેમ જ બિલ્ડરના વ્યવસાયમાં પણ જંત્રી વધારો કરવામાં આવશે તો ભારે અસર પડશે અને મંદીનો માહોલ પણ જોવા મળશે.