અમદાવાદ : લોકગાયક અને ભાજપના કાર્યકર એવા વિજય સુવાળાની કારને આંતરીને સાતેક લોકોની ગેંગે તલવાર-લાકડીઓ લઈ ઘાતકી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેનાં પગલે વિજય સુવાળાને ડ્રાઇવર સાથે ફિલ્મી ઢબે જીવ બચાવવા ભાગવાની નોબત આવી હતી. આ હુમલાનો પ્રયાસ પ્રોગ્રામ કરવાના મુદ્દે થયો હોવાનું સામે આવ્યું છે. જેને લઈને અડાલજ પોલીસે અમદાવાદના ત્રણ હુમલાખોરો સામે નામજોગ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના ઝુંડાલની પાસે આવેલા અગોરા મોલ જોડે ગુજરાતના જાણીતા ગાયક વિજય સુવાળાની કારને કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા ઘેરવામાં આવી હતી. ત્યારબાદ તલવાર-લાકડીઓ લઈને વિજય સુવાળા પર હુમલો કરવામાં આવ્યો છે. અચાનક આ ઘટના બનતા વિજય સુવાળાએ પોલીસને ફોન કરીને મદદ માંગી હતી. એવી પણ માહિતી મળી રહી છે કે પ્રોગ્રામ કરવાના મુદ્દે વિજય સુવાળા પર હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.ઘટના બાદ વિજય સુવાડા અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વિજય સુવાળાએ નવઘણ ગાટીયા, ફુલા રબારી, અનિલ રબારી સહિત 7 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. બીજી બાજુ અડાલજ પોલીસ સ્ટેશનમાં આ હુમલાખોરો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સૂત્રોના અનુસાર, વિજય સુવાળાને પહેલા ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી હતી બાદમાં મોડી રાત્રે તલવારો સહિતના હથિયારો વડે હિંસક હુમલાનો પ્રયાસ થયો હતો. કોઈએ પહેલા ફોન કરીને ધમકી આપી હતી કે, તું અમારા પ્રોગ્રામ કેમ નથી કરતો અને બીજાના પ્રોગ્રામ કરે છે. આ મામલે ફોનમાં બોલાચાલી પણ થઈ હતી. વિજય સુવાળાએ તેને કહ્યું હતું કે પોતાના પ્રોગ્રામ ખુબ જ શિડ્યુઅલ હોય છે. તો ફોન કરનારાઓએ ધમકી આપી હતી કે, તારે અમે કહીંએ તો પ્રોગ્રામ કરવા પડશે, નહીં તો તને જાનથી મારી નાખીશું. નોંધનીય છે કે, પહેલા આવી ધમકી મળી અને બાદમાં કાલે મોડી રાત્રે તલવારો સહિતના હથિયારો વડે હિંસક હુમલો થયો હતો.