અમદાવાદ : જીવડા…વાસી ખોરાક અને ગરોડી નીકળવાની ઘટના બાદ હવે ભોજનમાંથી કાચ નીકળવાની ચોંકાવનારી ઘટના બની છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ જાણીતા ફૂડ ઝોનમાં એક ગ્રાહક ભોજન માટે ગયો હતો. જ્યાં તેને કડવો અનુભવ થયો હતો. ગ્રાહકે મગાવેલા ભોજનમાંથી કાચનો ટૂકડો મળી આવતા ગ્રાહક ચોકી ગયો હતો અને ત્યારે રેસ્ટોરન્ટ અને હોટલમાં પીરસાતા ભોજનની ગુણવત્તા સામે સવાલ ઉભો થયો છે. આરોગ્ય ખાતાને આ અંગે ફરિયાદ કરવામાં આવી છે તેમ જાણવા મળેલ છે.આ ઘટનાનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના ગોતા વિસ્તારમાં ગઇકાલે રાત્રે આ ઘટના બની હતી. ગોતામાં એક બોક્સપાર્ક આવેલુ છે.જેમાં વામઝાઝ કરીને એક રેસ્ટોરેન્ટ આવેલુ છે. આ રેસ્ટોરેન્ટમાં એક પરિવાર ભોજન કરવા માટે ગયો હતો.જો કે જમતા દરમિયાન ભોજનમાંથી એક કાચનો ટુકડો નીકળ્યો હતો. જે પછી ગ્રાહક અને તેનો પરિવાર રોષે ભરાયો હતો. ગ્રાહકે રેસ્ટોરેન્ટના સંચાલકને આ અંગેની ફરિયાદ કરી હતી.
ગ્રાહકે રેસ્ટોરેન્ટના સંચાલક અને જવાબદાર વ્યક્તિને જ્યારે બોલાવીને પુછ્યુ કે કોઇ રેસ્ટોરેન્ટ આટલી ગંભીર બેદરકારી કેવી રીતે કરી શકે ?આટલો મોટો કાચ જે પણ રસોઇ બનાવનાર વ્યક્તિ છે તેને દેખાયો કેમ નહીં ? તો જવાબમાં રેસ્ટોરેન્ટ સંચાલકે પણ ઉડાઉ જવાબ આપતા જણાવ્યુ કે કદાચ મધની બોટલ તુટી ગઇ હશે અને તેનો કાચનો ટુકડો જમવામાં પડી ગયો હશે. રેસ્ટોરેન્ટ સંચાલકે ગ્રાહક પાસે માફી પણ માગી હતી.
જો કે આ ઘટનાને લઇને અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે. જેમ કે કાચનો ટુકડો ખૂબ જ મોટો છે, જો ટુકડો નાનો હોત તો ખાવામાં પણ આવી ગયો હોત અને મોમાં ઇજા પણ પહોંચી શકતી હતી. જો કે સદનસીબે આવુ કઇ થયુ નથી.