અમદાવાદ : શહેરના એસજી હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત છે. ગત મોડી રાત્રે પેલેડિયમ મોલ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, SG હાઈવે પરના પેલેડિયમ મોલ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારનો કુરચો બોલી ગયો છે. આ ઘટનામાં 30 વર્ષીય અલ્પેશભાઈ ગાગડેકરનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતાં. જેમાં મયુરભાઈ સિંધી નામના 26 વર્ષીય યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા સોલા સિવિલ હોસ્પિટલમાં ICUમાં સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે અન્ય 28 વર્ષીય કમલભાઈ સિંધીને હોસ્પિટલના તાત્કાલિક સારવાર કેન્દ્રમાં સારવાર આપવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે આજથી 12 દિવસ પહેલાં (1 જુલાઈ) બોપલ SP રિંગરોડ પર 200ની સ્પીડે ફોર્ચ્યુનર ગાડીએ થાર ગાડીને ઉડાવી હતી. જેમાં 3 લોકોના મોત નીપજ્યાં હતાં. આ સાથે જ ફોર્ચ્યુનરમાં 1 લાખનો દારૂ પણ ભરેલો હતો. અમદાવાદમાં મોટા ભાગના ગંભીર અકસ્માતો રાતના સમયે જ નોંધાયા છે.


