અમદાવાદ : અમદાવાદમાં પોલીસ વિભાગના ભ્રષ્ટાચારને ઉજાગર કરતી વધુ એક ઘટના સામે આવી છે. બોપલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિલીપ ભોઈને લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં 5 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. આ કેસમાં બોપલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પ્રીતલ ચૌધરી પણ સંડોવાયેલા હતા, પરંતુ તેઓ એસીબીની રેડ દરમિયાન ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા, જેથી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
રિપોર્ટ મુજબ, બોપલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI પ્રિતલ ચૌધરી અને હેડ કોન્સ્ટેબલ દિલીપ ભોઈ વિરુદ્ધ ખેડા ACBમાં ફરિયાદ નોંધાઈ હતી.ફરિયાદી પાસે કોઈ કામના બદલામાં PSI પ્રિતલ ચૌધરીએ 10 લાખ રૂપિયાની લાંચની માગણી કરી હતી.લાંબી રકઝક બાદ લાંચની રકમ ઘટાડીને 5 લાખ રૂપિયામાં સોદો નક્કી કરવામાં આવ્યો હતો.ફરિયાદીએ લાંચ આપવા બાબતે ખેડા ACBનો સંપર્ક કરતા ACBએ છટકું ગોઠવ્યું હતું.
PSI પ્રિતલ ચૌધરી અને AHC દિલીપ ભોઈ શીલજ સાયબર ક્રાઈમ વિસ્તારમાં 5 લાખ રૂપિયા લેવા માટે પહોંચ્યા હતા.લાંચની રકમનો સ્વીકાર કરવામાં આવ્યો ત્યારે ACBની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને બંનેને ઝડપી લીધા હતા.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, લાંચ લેતી વખતે હેડકોન્સ્ટેબલે PSI સાથે વાત કરી લાંચની રકમ મળી ગઈ હોવાની પુષ્ટિ પણ કરી હતી.ACBએ સ્થળ પરથી રૂ.5 લાખની લાંચની રકમ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય કેસમાં એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ફરિયાદી વિરુદ્ધમાં નોંધાયેલા કેસમાં પોલીસ કાર્યવાહી દરમિયાન તેમને હેરાન ન કરવા માટે હાંસોલ પોલીસ ચોકીના ASI શશીકાંત જાદવે (ઉં.વ.52) ફરિયાદી પાસેથી રૂ.6 હજારની લાંચની માંગણી કરી હતી. જો કે ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હતા, જેથી તેમણે ACBનો સંપર્ક કરી અરજી કરી હતી.
જે બાદ અરજીના આધારે એસીબીની ટીમે શુક્રવારે હાંસોલ પોલીસ ચોકીના પાર્કિંગમાં છટકું ગોઠવ્યું હતું. ફરિયાદી પાર્કિંગમાં ગયા હતા અને ASI ફરિયાદી પાસેથી રૂ.6 હજારની લાંચની રકમ સ્વીકારી રહ્યો હતો, તે સાથે જ ACBની ટીમે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. ACBએ ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.


