અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં સરકારી જમીન પર બનેલ કોલોનીઓના રિડેવલપમેન્ટ માટે જાહેર કરાયેલ પોલિસી 2016 માં હજી જોઈયે તેવી સફળતા મળી રહી નથી.2016 થી 2024 સુધીમાં જોવા જઈએ તો આંગળી વેઢે ગણી શકાય તેટલી સોસાયટી એ જ લાભ લીધો છે અને તે પણ તે સોસાયટીઓના આગેવાનોની પ્રબળ ઈચ્છાશક્તિને કારણે શક્ય બનેલ છે. બાકી સરકારી તંત્ર તો ગોકળગાયની ગતિએ કાર્ય કરી રહ્યું છે.
એક ચર્ચા મુજબ ગત વર્ષ 2022માં હાઉસિંગ એપાર્ટમેન્ટ રિડેવલપમેન્ટ ફેડરેશન અને અલગ અલગ સંગઠનો દ્વારા કરાયેલ આંદોલન અને તે દરમ્યાન દર્શાવેલ સૂચનો પર પ્રજાલક્ષી જરૂરી સુધારા બાદ હાલમાં ટેન્ડરમાં સરળતા છે, પણ કાર્ય પદ્ધતિમાં કોઈ બદલાવ નથી.કેટલીક સોસાયટીઓના મૌખિક સંમતિ પર ટેન્ડર પાડી બિલ્ડર ફાળવી વર્ક ઓર્ડર (એલઓએ) પણ આપી દેવાયા છે. જ્યારે કેટલીક સોસાયટીઓ તો સંમતિ નિયમ મુજબ લેખિત આપી છે તેમ છતાં તેમના ટેન્ડર પ્રકાશિત થતાં નથી, કેટલીક સોસાયટીઓમાં ટેન્ડર પ્રકાશિત કર્યા છે પણ ઈન્ડીકેટિવ પ્લાન બોર્ડ દ્રારા અપાયેલ નથી તો કેટલીક સોસાયટીઓમાં કોલોનીઓ દ્વારા ઈન્ડીકેટિવ પ્લાન સહી સિક્કા કરી આપી દીધા છે અને મહિનાઓ વિતી ગયા તો પણ કોરીજેન્ડમ કરાતા નથી, વગેરે ફરિયાદો સોસાયટીના અગ્રણીઓ અને જાણકાર રહીશો કરી રહ્યાં છે.
અધિકારીઓના સ્ટાફ અછત અને પ્રાથમિકતાના કારણો ધરી કામને લટકાવવામાં આવતું હોય તેવું લાગે છે. કેટલાક પ્રશ્નો એવા પણ જનમાનસમાં ચર્ચાય છે કે આવું જાણી જોઈને પણ કરાતું તો નહિ હોય ને! હાલ 5 કે 7 કે 10 બિલ્ડર્સ છે તો અધિકારીઓ તેમને ગોળ ગોળ ફેરવી શકે પણ જો એક સાથે 25-30 બિલ્ડર્સ આવી ગયા તો તેઓ એક થઈ જશે અને અધિકારીઓનું વર્ચસ્વ ઘટી જશે કે મલાઈની આવક બંધ થઈ જશે. પ્રજા મતમાં ફેલાતી આશંકા જો સાચી હોય તો કોઈની લાલચમાં જરૂરિયાતવાળી નિર્દોષ પ્રજાને હેરાન થવા દેવાની, જર્જરિત મકાનોમાં મરવા દેવાની! જેવા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે.
કેટલીક ઈડબલ્યુએસ, એલઆઈજી કે એમઆઈજી જેવી સોસાયટીઓમાં બિલ્ડર ફાળવાયા પછી કેટલાક માથાભારે તત્વો મોટા મકાન બનાવી રિડેવલપમેન્ટમાં સંમત સભ્યોને ડરાવી નિયમ મુજબ બહુમત થવા દેતા નથી તો અધિકારીઓ તેના માટે બિલ્ડર કે એસોસિયેશન પર જવાબદારી કે દોષનો ટોપલો ઢોળી દેતા હોય છે, પણ કાયદા મુજબ મળેલ પોતાની સત્તા કે સ્પેશ્યલ સુઓમોટોનો ઉપયોગ કરી ચોક્કસ કિસ્સાઓમાં અસંમત સભ્યોના વધારાના બાંધકામ કેમ તોડતા નથી. પોતાની ફરજો અને જવાબદારીમાંથી છટકી જવાનું અને બધું તૈયાર થાય એટલે આગળ આવી નિયમો ફરજો બતાવવાની.નિયમો મુજબ બિલ્ડર્સ કે એસોસિયેશનને દબાવવાનો પ્રયાસો પ્રત્યક્ષ પરોક્ષ કરવાના, આવી પરિસ્થિતિઓ ઊભી કરવા પાછળના અધિકારીઓના હેતુ શું હોઈ શકે એતો બધા સમજી જ ગયા હશો.
કેમ બોર્ડ લેવલે ચોક્કસ ઠરાવો રિડેવલપમેન્ટ માટે બનાવતા નથી, જેવા કે રિડેવલપમેન્ટમાં ગયેલી સોસાયટીમાં અસંમત સભ્યોનું કે બધાનું વધારાનું બાંધકામવાળા મકાનની સંમતી લેવી જ નહિ કે ટકાવારીમાં ગણાશે જ નહી. 100% સંમતિ કરવામાં પણ ગુ.હા.બોર્ડની જવાબદારી ત્રીજા પક્ષ તરીકે હોવી જ જોઈએ અને તે માટે સરકારી તંત્ર પણ અગ્રેસર રહેવું જોઈએ. બિલ્ડર ભાડાનું રિસ્ક લે છે માટે બિલ્ડર ને નુકશાન થાય છે પણ સમયસર પોતાની જવાબદારી પૂરી ના કરતા અધિકારી કેમ દંડાતા નથી. કેટલીક સોસાયટી તો અધિકારીઓએ પોતાના અહમ કે સ્વાર્થ ના સધાતા કે અધિકારી રાજ ડર બતાવવા જાણી જોઈને ચુંથી નાખી હોય તેવું પણ સ્થાનિક લોકો અને બિલ્ડર લોબીમાં ચર્ચાઈ રહ્યું છે. જો કાર્યમાં દરેક વખતે સ્ટાફનું બહાનું આપી છટકી જવું હોય કે જવાબદારીમાં નથી આવતું તેમ કહી છટકવું હોય તો તેવા અધિકારીઓને નોકરીની જવાબદારી પણ ના આપી છૂટા કરી દેવા જાેઈએ. અને સ્ટાફ ભરતી ના કરી શકતી કે પ્રાથમિકતા નક્કી કરી શકતી ના હોય તેવી સંસ્થાને તાળું મારી દેવું વધુ સારું રહેશે અને જમીન ભાડે પટ્ટે થી દુર કરી પ્રજાને લોકાર્પણ રીતે મુક્ત કરી દેવી જાેઈએ.