અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદથી તિરંગા બલૂનને આકાશમાં ઉડાડીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025નો શાનદાર પ્રારંભ કરાવ્યો હતો. 11 થી 14 જાન્યુઆરી સુધી પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દર વર્ષે દેશ અને દુનિયાના એમ્બેસેડર્સ આ પતંગ મહોત્સવ જોવા ગુજરાત આવે છે. આ વર્ષે કુલ 11 જેટલા દેશોના એમ્બેસેડર ગુજરાત આવ્યા છે.
ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આ વર્ષે તારીખ 11 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી દરમિયાન ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 12 જાન્યુઆરી 2025ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી (એકતા નગર), રાજકોટ તથા વડોદરા ખાતે તેમજ 13 જાન્યુઆરીના રોજ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે પણ ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025’નું આયોજન કરાયું છે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવથી થયેલા ગુજરાતના પ્રવાસનના વિકાસ અને ગુજરાતના પતંગ ઉદ્યોગ અંગે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતીઓના પતંગ પ્રેમને કારણે સૌથી વધુ પતંગો બનાવનારા રાજ્ય તરીકે વિશ્વમાં ગુજરાતને ઓળખ મળી છે. અમદાવાદ, નડિયાદ, ખંભાત તેમજ સુરત કાઈટ મેન્યુફેક્ચરીંગના હબ બન્યા છે. એટલું જ નહિ, આજે દેશના પતંગ માર્કેટમાં 65 ટકા હિસ્સો ગુજરાતનો છે. ગુજરાતમાંથી દર વર્ષે પતંગો અમેરિકા, યુ.કે., કેનેડા જેવા દેશોમાં એકસપોર્ટ પણ થાય છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ પણ પતંગ પર હાથ અજમાવ્યો હતો. અમદાવાદના આંગણે શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ભાગ લેવા માટે દેશના 11 રાજ્યોમાંથી 52 અને 47 દેશોમાંથી 143 પતંગબાજો આવી પહ્યોંચ્યા છે. અમદાવાદ રિવરફ્રન્ટનું આકાશમાં રંગબેરંગી પતંગો છવાયેલી જોવા મળી હતી. અવનવી પતંગો નિહાળવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો પણ બાળકો સાથે પહોંચ્યા હતા.
આ અવસરે ઋષિ કુમારો દ્વારા આદિત્ય સ્તુતિ વંદનાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રી અને અન્ય મહાનુભાવોએ વિશ્વના વિવિધ દેશો અને ભારતના વિવિધ રાજ્યોના પતંગબાજોની પરેડનું અભિવાદન ઝીલ્યું હતું. આ ઉપરાંત ઉત્તરાયણ પર્વને લઇને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.