અમદાવાદ : અમદાવાદના લોકો દ્વારા રોડ,ગટર અને પાણી સહીતની પ્રાથમિક સુવિધા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોમ્પ્રિહેન્સિવ રીડ્રેસલ સિસ્ટમ હેઠળ ઓનલાઈન ફરિયાદ કરવામાં આવે છે. શહેરીજનો દ્વારા કરવામા આવતી પાણી,ડ્રેનેજ અને કેચપીટને લગતી ફરિયાદ 24 કલાકમાં ઉકેલવા તમામ એડીશનલ સિટી ઈજનેરોને સુચના આપવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત આ પ્રકારની ફરિયાદોનો તંત્ર તરફથી સમયસર નિકાલ થાય એ માટે સ્વચ્છતા એપ ઉપર આ પ્રકારની ફરિયાદ જે તે ઝોન કે વોર્ડકક્ષાના સંબંધિત અધિકારી-કર્મચારીને મોકલાશે.7 જુદા જુદા ઝોનમાં ઓનલાઇન ફરિયાદો પર વિશેષ ધ્યાન આપવા સૂચના અપાઈ છે. તમામ ઝોનના એડિશનલ સિટી ઇજનેર અને સંબંધિત સ્ટાફને સ્વચ્છતા એપ ડાઉનલોડ કરવા સૂચના આપવામાં આવી છે. સીસીઆરએસ માધ્યમથી નાગરિકો દ્વારા રોજબરોજ કરવામાં આવતી ફરિયાદોનો નિકાલ લાવવા પણ સૂચના અપાઈ છે. શહેરીજનો રોજબરોજ સફાઈ,સેનિટેશન ઉપરાંત પાણી,પબ્લિક ટોઈલેટ,ડ્રેનેજ ઓવરફલો,વોટલોગીંગ સહીતની અન્ય પ્રકારની ફરિયાદ નોંધાવતા હોય છે.
નોંધાવવામા આવતી આ પ્રકારની ફરિયાદો નિયત સમયમાં સંબંધિત વિભાગ તરફથી ઉકેલાતી નહીં હોવાથી ઓનલાઈન ફરિયાદની સ્થિતિ કલોઝને બદલે ઓપન જોવા મળે છે. આ પરિસ્થિતને નિવારવા તમામ 48 વોર્ડના સ્ટાફને પણ 24 કલાકમાં આ પ્રકારની ફરિયાદોનો નિકાલ લાવવા સુચના આપવામાં આવી છે.
ખાસ કરીને સફાઈ, સેનિટેશન, પાણી, પબ્લિક ટોઇલેટ, ડ્રેનેજ ઓવરફ્લો અને વોટર લોગિંગ જેવી ફરિયાદોને ક્લોઝ કરવાને બદલે ઉકેલ લાવવા દિશામાં કામ કરવા સૂચના અપાઈ છે. શહેરમાં સંખ્યાબંધ વિસ્તારો એવા છે જ્યાંથી પાયાની સુવિધાઓ અંગે ઓનલાઈન ફરિયાદ થાય છે પરંતુ તેને ક્લોઝ કરી ઉકેલી દેવાયાનું બતાવાય છે.