અમદાવાદ: ગુજરાત હાઉસિંગ બોર્ડના કમિશ્નર તરીકે કાર્યદક્ષ અને કર્મનિષ્ઠ છાપ ધરાવતા નિવૃત્ત IAS અધિકારી શ્રી સંદીપ વસાવાને રાજ્ય સરકાર દ્વારા મહત્વનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. 28 ફેબ્રુઆરીના રોજ નિવૃત્ત થયા બાદ, તેમના અનુભવ અને રીડેવલપમેન્ટ યોજનાઓની ગતિને જાેતા સરકારે ગણતરીના દિવસોમાં જ તેમને ફરીથી આ જવાબદારી સોંપી છે. ચાર્જ સંભાળતાની સાથે જ તેમણે હાઉસિંગ બોર્ડની વસાહતોના કાયાકલ્પની મુહિમ ફરી તેજ બનાવી દીધી છે.
એક સમય એવો હતો જ્યારે સરકારી યોજનાઓ એટલે લાંબી વહીવટી પ્રક્રિયા અને પાઇપલાઇનમાં ફસાયેલા પ્રોજેક્ટ્સ માનવામાં આવતા હતા. પરંતુ શ્રી સંદીપ વસાવાએ આ માનસિકતા બદલી નાખી છે. 2023માં ચાર્જ સંભાળ્યા બાદ તેમણે જર્જરિત વસાહતોમાં રહેતા હજારો નાગરિકો માટે રીડેવલપમેન્ટની પ્રક્રિયાને માત્ર કાગળ પર મર્યાદિત રાખવાને બદલે જમીની સ્તર પર અમલી બનાવી છે.
ગુજરાત સરકારે વર્ષ 2016 માં રીડેવલપમેન્ટ પોલિસી જાહેર કરી હતી, પરંતુ 2022 સુધી તેમાં ખૂબ જ ઓછી કોલોનીઓ જાેડાઈ શકી હતી. શ્રી વસાવાએ પદભાર સંભાળતા જ પોલિસીની જટિલતાઓને સમજી અને તેમાં જરૂરી ‘પ્રજાલક્ષી સુધારા‘ કર્યા. તેમણે લોકો અને નિષ્ણાતોની રજૂઆતો સાંભળીને નિયમોમાં ફેરફાર કર્યા, જેના પરિણામે છેલ્લા બે થી ત્રણ વર્ષમાં 60 થી વધુ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ મંજૂર થયા છે.આ ઉપરાંત વર્ષોથી અટકેલી ફાઇલોનો નિકાલ થયો છે. અને રહેવાસીઓને આધુનિક સુવિધાઓ ધરાવતા નવા ઘર મળવાનો માર્ગ મોકળો થયો છે.
મીડિયાની ઝગમગાટથી દૂર રહીને કામ કરવામાં માનતા શ્રી સંદીપ વસાવા મુખ્યમંત્રીના અત્યંત વિશ્વાસુ અધિકારીઓ પૈકીના એક ગણાય છે. અમદાવાદમાં જન્મેલા અને ઉછરેલા હોવાને કારણે તેઓ સ્થાનિક પ્રશ્નો અને જનતાની જરૂરિયાતોને ખૂબ નજીકથી સમજે છે. રાજકીય નેતૃત્વ સાથેના સુમેળભર્યા સંબંધો અને વહીવટી કુશળતાને કારણે જ તેમને આ મહત્વનું એક્સટેન્શન મળ્યું છે.
શ્રી વસાવાના પુન: આગમનથી હાઉસિંગ બોર્ડના સેંકડો જૂના બ્લોક્સમાં રહેતા પરિવારોમાં ખુશીની લહેર છે. આગામી સમયમાં આધુનિક સ્થાપત્ય અને મજબૂત બાંધકામ સાથે હજારો પરિવારોને તેમના જૂના મકાનના સ્થાને આલીશાન ફ્લેટ્સ મળશે, જે ગુજરાતના શહેરી વિકાસમાં એક નવું સીમાચિહ્ન રૂપ સાબિત થશે.
અમદાવાદના હાઉસિંગના વિવિધ આગેવાનોના અભિપ્રાયો…..
ગુજરાત હાઉસિંગ વસાહત મંડળના પ્રમુખ દિનેશ બારડ જણાવે છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડના કમિશનર તરીકે શ્રી એસ.બી વસાવા સાહેબની ફરીએકવાર નિમણૂક કરી તેને આવકાર્ય છીએ, વસાવા સાહેબે પોતાના હાઉસિંગ બોર્ડના કમિશનર તરીકેના અગાઉના કાર્યકાળ દરમિયાન સકારાત્મક રીતે રીડેવલોપમેન્ટ વિચારતી સોસાયટીઓનું સરળતાથી સારી રીતે પારદર્શક રીતે અમલીકરણ થાય તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે અને તેમના સમય દરમિયાન ગુજરાત હાઉસિંગ બોર્ડની અનેક સોસાયટીઓમાં રીડેવલોપમેન્ટ આકાર પામી.તેમની ખાસ વિશેષતા એવી રહી છે કે હાઉસિંગ બોર્ડનો કોઈપણ રહીશ કે હાઉસિંગ બોર્ડના એસોસિયેશનના કોઈપણ આગેવાન કે હોદ્દેદાર તેઓની મુલાકાત લેવા આવે તો તેમને તેઓ અચૂક સમય કાઢીને મુલાકાત આપતા હતા અને તેમના પ્રશ્નોને સારી રીતે સમજીને નિયમ અનુસાર જે થઈ શકતું હોય તેનો વહેલી તકે ઉકેલ લાવવા તેવો સતત પ્રયત્નશીલ રહ્યા છે અને રહેશે.હાઉસિંગ વસાહત મંડળ તેમની નિમણંૂકને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે અને તેમની પાસે અપેક્ષા રાખે છે કે જે સોસાયટીઓ રીડેવલપમેન્ટમાં ગઈ છે કે જે કાનૂની ગુચમાં ફસાયેલી છે તેનો પણ વહેલી તકે કાયદાકીય ઉકેલ વહેલી તકે આવે તેવા પ્રયત્ન ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે કરાવશે તેવી અમારી અપેક્ષાઓ છે અને જે સોસાયટીઓ કે જે નાના રૂમ રસોડા જે રહીશો રહે છે તેને ઓછામાં ઓછું 50 ચોરસ મીટર કારપેટ એરિયા મળે તેવી સરકારમાં સાહેબશ્રી રજૂઆત કરે તો તે તેમની કારકિર્દીમાં યશ કલગી બનશે અને રહીશો તેમના સદાય રુણી રહેશે….વિશેષમાં ગુજરાત સરકારને પણ અમારી વિનંતી છે કે હાલમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ગુજરાત લેવલે પીપીપીના ધોરણે ઘણા પ્રોજેકટો આવી રહ્યા છે અને હાલમાં ચાલે છે તો આવા કામો સરળતાથી થાય અને સરકાર સાથે સીધું સંકલન જળવાઈ રહે તે માટે ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન અને તેના ડાયરેક્ટરો પ્રજામાંથી નિમણૂંક થાય તો આ બધા કાર્યો સહેલાઈથી નિર્માણધિન થઈ શકે…. અને આ અંગે મંડળ સરકારશ્રીમાં પણ આ બાબતે રજૂઆત કરવાના છે… લિ. દિનેશ બારડ, પ્રમુખ ગુજરાત હાઉસિંગ વસાહત મંડળ
હાઉસિંગ બોર્ડના કમિશનર શ્રી સંદીપ વસાવાની નિવૃત્તિ પહેલા ગુજરાત સરકારે તેમને એક વર્ષનો વહીવટી સેવા લેવાનો લાભ અપાયો તે ગુજરાત સરકારની વહીવટી દીર્ઘ દ્રષ્ટા દર્શાવે છે કમિશનર શ્રી વસાવાએ છેલ્લા બે વર્ષમાં હાઉસિંગ બોર્ડની રીડેવલોપમેન્ટની યોજના ખૂબ જ કુશળતાપૂર્વક પાર પાડી રહ્યા છે.રીડેવલોપમેન્ટની યોજનાઓમાં આવતી મુશ્કેલીઓ તેઓએ સરકારમાં રજૂઆત કરી ઘણા ર્નિણયોમાં ફેરફાર કરાવ્યા તેથી રીડેવલોપમેન્ટ યોજનામાં ઘણી બધી સોસાયટીઓ જાેડાઈ છે તેમની શાંત પ્રકૃતિ અને ત્વરીત ર્નિણય લેવાની ક્ષમતા સરકારે ધ્યાનમાં લઇ તેમને એક વર્ષ માટે તેમની સેવાનો લાભ લેવાનો ર્નિણય લીધો છે.મારા છેલ્લા બે વર્ષના તેમની સાથેના પરિચયમાં જ્યારે જ્યારે મેં પ્રશ્નોની રજૂઆત કરી ત્યારે તેઓએ ત્વરિત સંલગ્ન અધિકારીને રૂબરૂ ફોન કરી સૂચનાઓ આપી છે અનેક વખત સંલગ્ન અધિકારીને રૂબરૂ બોલાવી પ્રશ્નોનો નિકાલ લાવ્યા છે. કમિશનર શ્રી વસાવા સાહેબને હાઉસિંગ બોર્ડમાં વધુ એક વર્ષ સેવા આપવાનો અવસર મળ્યો તે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન…
ઉત્તમ સુરતી પ્રમુખ : સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2, પૂર્વ કોર્પોરેટર, લોકતંત્ર સેનાની (મીસાવાસી)
ગુજરાત હાઉસીંગ બોર્ડના કમિશ્નર શ્રી તરીકે એસ બી વસાવા (IAS) સાહેબ ની પુન: નિયુક્તિ કરવામાં આવી તે આવકારદાયક છે કારણકે રાજ્ય સરકારની રીડેવલપમેન્ટ યોજના 2016 ની પોલિસી મુજબની યોજનાઓ કે જે ગુ.હા. બોર્ડના જર્જરિત મકાનનોને તોડીને નવા 40% વધારાના ફ્રી બાંધકામ સાથેની યોજનાઓ જે આજના સમયની માગ પણ છે. આ યોજનાઓ એક પડકારરૂપ છે તેવા સમયે બોર્ડને રાજ્ય સરકારના બહુજ સીનિયર અનુભવી IAS અધિકારી ફરી મળ્યાં છે.તેવુ ગુ.હા.બોર્ડના પુર્વ ડિરેકટરનું મારું મંતવ્ય છે. ભૂતકાળમાં બોર્ડેમાં કમિશ્નર તરીકે શ્રી કેશવ વર્મા સાહેબના સમયમાં પ્લેગના રોગચાળાના સમયની સફળ કામગીરી પણ શ્રી નરહરિ અમીન તત્કાલિન શહેરી વિકાસ મંત્રીશ્રીના રાજ્ય શાસન સમયે થઇ હતી. રાજ્ય સરકારને કપરા સમયે બોર્ડ નિગમ મદદ રૂપ થતા રહ્યા છે. ઉપરાંત નારણપુરા, વાડજ વિસ્તારની હાઉસિંગ વસાહતો માટે મારા ગુ.હા. બોર્ડ ના ડિરેક્ટર દરમ્યાન પાણીની ટાંકી, પંમ્પીગ સ્ટેશન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આર્થિક મદદ કરી હતી. તે સિવાય પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ માટે સરકારને જમીન આપી હતી…આર સી પટેલ,પૂર્વ ડિરેકટર ગુ.હા. બોર્ડે અને પૂર્વ કોર્પોરેટર…
હાઉસિંગ કમિશ્નરશ્રી સંદીપ વસાવા સાહેબ ની ફરીથી કમિશ્નર તરીકેની નિમણુંકને અમોએ આવકારીએ છીએ, ભતકાળમાં પણ હાઉસીંગ બોર્ડ અને પ્રજા માટે સારા અધિકારી તરીકે મારુ મંતવ્ય છે. આગામી સમયમાં આજ રીતે કમિશ્નર તરીકે પોઝિટીવ રહેશે.જેનાથી નારણપુરા સહિત સમગ્ર શહેરમાં રીડેવલોપમેન્ટને વેગ મળશે.તેઓએ વધુમાં જણાવ્યા હતું કે જે 10 ટકા લોકો માટે રીડેવલપમેન્ટની કામગીરી અટકે છે, આ માટે કોઈ ચોક્કસ મિકેનીઝમ ગોઠવવાની જરૂર છે….મનુભાઈ ચોધરી, કારોબારી સભ્ય, અમર-સુરમ્ય એપાર્ટમેન્ટ, નારણપુરા…
હાઉસિંગ કમિશ્નરશ્રી સંદીપ વસાવા સાહેબ રિડેવલોપમેન્ટ પોલિસીના અમલ સકારાત્મક વિચારધારા ધરાવે છે અને તેમના કાર્યકાળ દરમ્યાન ઘણી યોજનાના કામ સારી રીત આગળ વધ્યા છે અને તેમની નવનિયુક્તિથી રીડેવલપમેન્ટના અટકેલ પ્રોજેક્ટ સમયસર પૂરા થઈ જશે તેવી આશા છે.વસાવા સાહેબ ટેકનિકલ બાબતોના નિષ્ણાંત છે તેથી રીડેવલોપમેન્ટમાં આવતી દરેક સમસ્યાનું સમાધાન યોગ્ય રીતે કરી શકે છે…વિશાલભાઈ કંથારીયા, પ્રમુખ, શાંતિ એપાર્ટમેન્ટ
ગુજરાત હાઉસિંગ બોર્ડના કમિશનર શ્રી સંદીપ વસાવા સાહેબનો ફરીથી અભિભાવક તરીકે આગમનથી અમે સ્વાગત કરીએ છે, વસાવા સાહેબના આવવાથી હાઉસિંગ બોર્ડમાં રીડેવલપમેન્ટના કામમાં તીવ્રતા આવશે અને સરળતાથી બધી સોસાયટીઓનો ઝડપથી વિકાસ થશે, એ મારા વ્યક્તિગત અનુભવ છે…આભાર સુરેન્દ્રસિંહ રાજપુત, ચેરમેન, અભિષેક અપાર્ટમેન્ટ, સોલા રોડ


