અમદાવાદ : શહેરમાં જૂની હાઉસિંગ બોર્ડની સોસાયટીઓના રીડેવલપમેન્ટ માટે સરકાર અને રહીશો ઉત્સાહિત છે, પરંતુ આ પ્રક્રિયામાં સૌથી મોટો અને સંવેદનશીલ અવરોધ ‘ગેરકાયદે વધારાના બાંધકામ‘નો સામે આવી રહ્યો છે. અનેક સોસાયટીઓમાં ટેન્ડર અને વર્ક ઓર્ડર અપાઈ ગયા હોવા છતાં, હાઉસિંગ બોર્ડની અનેક સોસાયટીઓમાં ગેરકાયદે દબાણ કરનારા તત્વોને કારણે સેંકડો પરિવારોના નવા ઘરના સપના અધ્ધરતાલ લટકી રહ્યા છે.
રીડેવલપમેન્ટ પ્રક્રિયાના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, હાઉસિંગ બોર્ડની મોટાભાગની સોસાયટીઓમાં રહીશોએ મૂળ નકશા કરતા બમણું કે ત્રણ ગણું વધારાનું બાંધકામ કરી દીધું છે. સૌથી ગંભીર સ્થિતિ એ છે કે, શુદ્ધ રહેણાંક હેતુ માટે ફાળવવામાં આવેલા મકાનોમાં લોકોએ દુકાનો, શોરૂમ અને ગોડાઉન જેવા ગેરકાયદે તોતીંગ કોમર્શિયલ બાંધકામો તાણી બાંધ્યા છે. આ લોકો હવે રીડેવલપમેન્ટ પ્રક્રિયામાં અવરોધ ઊભો કરી ‘વિલન‘ની ભૂમિકા ભજવી રહ્યા છે.
એક ચર્ચા મુજબ, નવા વાડજમાં ગગનવિહાર એપાર્ટમેન્ટ, નારણપુરામાં શાસ્ત્રીનગર એમ-5 (72 HIG), શ્રધ્ધાદીપ એપાર્ટમેન્ટ, સિદ્ધિ એપાર્ટમેન્ટ (પ્રગતિનગર), ગોકુલ એપાર્ટમેન્ટ, સત્યમ એપાર્ટમેન્ટ(સોલા રોડ) વગેરે સોસાયટીઓમાં રીડેવલપમેન્ટમાં ગઈ છે, ટેન્ડર થઇ ગયા છે, ડેવલપરને વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે પરંતુ ગેરકાયદેસર બાંધકામ વાળા રીડેવલપમેન્ટની પ્રક્રિયા યેનકેન પ્રકારે અટકાવે છે.આ ઉપરાંત રીડેવલપમેન્ટ પ્રક્રિયામાં જેના ટેન્ડર થઇ ગયા છે પરંતુ આગામી સમયમાં હાઉસિંગ બોર્ડ દ્વારા ડેવલપરને વર્ક ઓર્ડર આપવામાં આવનાર છે એવી સોસાયટીઓની વાત કરીએ તો નારણપુરામાં હેપ્પી હોમ એપાર્ટમેન્ટ, શાસ્ત્રીનગર એમ-5 (96+56), પૂજન એપાર્ટમેન્ટ સહિત પૂર્વની અનેક સોસાયટીઓમાં મસમોટા ગેરકાયદેસર બાંધકામને કારણે રીડેવલપમેન્ટની પ્રક્રિયા અટકી શકે છે અથવા તો પુરેપુરી સંભાવના છે.આ સોસાયટીઓમાં ડેવલપર નક્કી થઈ ગયા છે અને વર્ક ઓર્ડર પણ અપાઈ ગયા છે, પરંતુ ગેરકાયદે બાંધકામ ધારકો પોતાની પકડ છોડવા તૈયાર નથી. આ ઉપરાંત, નારણપુરાના હેપ્પી હોમ એપાર્ટમેન્ટ, શાસ્ત્રીનગર એમ-5 (96+56) અને પૂજન એપાર્ટમેન્ટમાં પણ આગામી સમયમાં આ જ કારણોસર મુશ્કેલી સર્જાય તેવી ભીતિ છે.
હાઉસિંગ સોસાયટીઓમાં 75% થી વધુ લોકો રીડેવલપમેન્ટ માટે સહમત હોવા છતાં, વધારાનું બાંધકામ કરનારા લોકો પોતાની માગણીઓ સંતોષવા માટે કાયદાકીય અને વહીવટી અવરોધો ઊભા કરે છે. જે લોકોએ રહેણાંકમાં કોમર્શિયલ એકમો બનાવ્યા છે, તેઓ નવા પ્રોજેક્ટમાં પણ એટલી જ જગ્યા અથવા વળતરની જીદ પકડીને બેઠા છે, જે નિયમ મુજબ શક્ય નથી.
ઉપરોક્ત તમામ સોસાયટીઓમાં ગેરકાયદેસર બાંધકામ ધરાવતા મકાનધારકો મુઠ્ઠીભર છે, એટલે કે કુલ મકાનધારકોની સંખ્યામાં માંડ બે થી પાંચ ટકા સુધી ગણી શકાય તેવા લોકો સમગ્ર સોસાયટીના રહીશોને જાણે બાનમાં લઈ યેનકેન પ્રકારે રીડેવલપમેન્ટની પ્રક્રિયા અટકાવી રહ્યા છે, જેને કારણે સોસાયટીઓમાં રહેતા બહુમતી લોકોને આખરે શોષાવવાનો વારો આવે છે.
હવે તમને જણાવી દઈએ કે સરકારની રીડેવલપમેન્ટ પોલીસીમાં રેસીડન્ટમાં 40 ટકા અને કોમર્શિયલમાં 25 ટકા વધુ મોટા બાંધકામ આપવાની જાેગવાઈ છતાં અનેકગણા બાંધકામ તાણી બેઠા હોવાને કારણે આવા દસ-પંદર લોકો માટે સોસાયટીના બહુમત સભ્યોને હેરાન થવાનો વારો આવે છે.
હાઉસીંગ બોર્ડ દ્વારા રહેણાંકમાં ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ લાલ આંખ કરવી પડશે : રહીશો
અમદાવાદ : સામાન્ય રહીશો અને નિષ્ણાતોનું માનવું છે કે જ્યાં સુધી તંત્ર દ્વારા આવા ‘તોતીંગ‘ ગેરકાયદે બાંધકામો પર કાયદાનો દંડો વિઝાવવામાં નહીં આવે, ત્યાં સુધી રીડેવલપમેન્ટની પ્રક્રિયા વેગ પકડશે નહીં. જાે સરકાર અને હાઉસિંગ બોર્ડ કડક હાથે કામ લઈને આ દબાણો દૂર કરે, તો જ હજારો પ્રામાણિક રહીશોને તેમના હકનું નવું અને સુરક્ષિત ઘર મળી શકશે.
એક આગેવાનના મત મુજબ ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા જયારે હાઉસીંગ સોસાયટીની સંમતિ સ્વીકારાય અથવા ટેન્ડરીંગ પ્રક્રિયા બાદ અને વર્ક ઓર્ડર અપાય, અથવા તો બિલ્ડર અને એસોસિયેશન વચ્ચે એમઓયુ થાય એ પહેલા આ પ્રકારના રેસીડન્ટમાં કોમર્શિયલ અને કોમર્શિયલમાં અનેક ગણા બાંધકામ તાણી બેઠા છે એવા લોકો વિરુદ્ધ નોટીસો બજાવી કાયદેસરની કાર્યવાહી કરી આ પ્રકારના ગેરકાયદે બાંધકામ દુર કરવા જાેઈએ.જેથી રિડેવલમેન્ટની પ્રક્રિયા ઝડપી બનશે.
ચુંટાયેલ પ્રતિનિધિઓની ચંચુપાત બંધ થવી જાેઈએ : રહીશો
અમદાવાદ : ગુજરાત સરકારની રીડેવલપમેન્ટ પોલીસીના અમલમાં ચુંટાયેલ સંસદસભ્યો, ધારાસભ્યો, મ્યુ કોર્પાેરેટરો સહિતના હાઉસિંગ વિસ્તારના રાજકીય પક્ષના આગેેેેવાનો મોટેભાગે રસ ધરાવતા નથી, પ્રજા સાથે સીધા જાેડાયેલ ચુંટાયેલ પ્રતિનિધીઓ રસ દાખવશે તો સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની પ્રક્રિયામાં ઝડપ આવશે, હાઉસિંગ વિસ્તારની સોસાયટીઓના રહીશોનું રીડેવલપમેન્ટ બાદ નવા ઘરનું સપનું પુરુ થશે.
એક સોસાયટીના આગેવાન મુજબ, કેટલાંક ચુંટાયેલ ધારાસભ્યો, કોર્પાેરેટરો કે ભાજપના હોદ્દેદારો આવા ગેરકાયદે બાંધકામ ધરાવતા મકાનધારકોને છાવરતા હોવાનો આક્ષેપ કર્યાે છે, જેને કારણે ગેરકાયદે બાંધકામ વિરુધ મ્યુ તંત્ર કે હાઉસિંગ બોર્ડ કાર્યવાહી કરી શકતું નથી.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ચુંટાયેલ પ્રતિનિધિઓમાં ઘારાસભ્યો કે કોર્પાેરેટરોએ અમલવારીમાં રસ નહીં દાખવે તો ચાલશે, પરંતુ ગેરકાયદે બાંધકામ ધારકોને સપોર્ટ આપવાનું બંધ કરશે, તો પણ ચાલશે….


