અમદાવાદ : અમદાવાદ શહેરમાં વધતી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન – AMCએ પોતાના ખુલ્લા પ્લોટ્સ સમયબદ્ધ ધોરણે ભાડે આપીને પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવાની મંજૂરી આપી છે.
રિપોર્ટ મુજબ, શહેરના પશ્ચિમ વિસ્તારમાં એસ.જી હાઇવે, પ્રહલાદનગર, સરખેજ અને જોધપુર વોર્ડ વિસ્તારમાં આવેલા વિવિધ ખુલ્લા પ્લોટોને “Only Parking Purpose (For All)” હેતુસર ફાળવવામાં આવ્યા છે. કોમર્શિયલ કોમ્પલેક્ષોમાં પાર્કિંગના અભાવે આસપાસના રસ્તાઓ પર વાહનો ગેરરીતે પાર્ક થતાં હતાં, જેના કારણે ટ્રાફિક જામ અને વાહનવ્યવહારની સમસ્યાઓ સર્જાતી હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને AMC દ્વારા કુલ 12 કોમર્શિયલ એકમોને પાર્કિંગ માટે પ્લોટ એલોટ કરવામાં આવ્યા છે.
YMCA ક્લબ પાછળનો વિસ્તાર, આનંદનગર રોડ, એસ.જી. હાઈવે, પ્રહલાદનગર રોડ, કોર્પોરેટ રોડ તથા કર્મ કોલેજ નજીકના વિસ્તારોમાં આવેલા પ્લોટો પાર્કિંગ માટે ઉપયોગમાં લેવામાં આવશે. AMC દ્વારા આ પ્લોટો બદલ સંબંધિત અરજદારો પાસેથી ભાડું, GST અને ડિપોઝિટની રકમ વસૂલવામાં આવી છે. જેમાં કુલ રૂ. 41,53,500 ભાડા પેટે, રૂ. 1,04,760 GST પેટે તેમજ રૂ. 10,38,375 ડિપોઝિટ તરીકે વસૂલવામાં આવ્યા છે. આમ AMCને કુલ રૂ. 52,96,635ની આવક પ્રાપ્ત થઈ છે.
આ પાર્કિંગ પ્લોટો માટે મોટાભાગની મંજૂરીઓ એક વર્ષના સમયગાળા માટે આપવામાં આવી છે. ખાસ કરીને એસ.જી. હાઈવે, આનંદનગર, મકરબા, પ્રહલાદનગર અને સરખેજ જેવા ભારે ટ્રાફિકવાળા વિસ્તારોમાં AMC દ્વારા આ આયોજન અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે અસરકારક સાબિત થઈ રહ્યું છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં કોમર્શિયલ કોમ્પલેક્ષો દ્વારા AMCના પ્લોટ ભાડે લઈ અલગ પાર્કિંગ સુવિધા ઉભી કરાતા આસપાસના રસ્તાઓ પર થતા અનઅધિકૃત પાર્કિંગમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.


