અમદાવાદ : નાનાં બાળકોની જિજ્ઞાસા ક્યારેક ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. આવી જ એક હૃદયસ્પર્શી અને ચેતવણીરૂપ ઘટનામાં રાજસ્થાનના જોધપુરના ત્રણ વર્ષીય અયાને રમતા રમતા સાબુ બનાવવા માટે વપરાતું કેમિકલ પી લેતા પોતાની અન્નનળી લગભગ ગુમાવી દીધી હતી. જોકે અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના નિષ્ણાત ડૉક્ટરોની કુશળતા, ધીરજ અને ટીમવર્કના કારણે આજે અયાન ફરીથી સામાન્ય રીતે મોઢેથી ખાઈ-પી શકે છે.
જોધપુરના રહેવાસી અને હોસ્પિટલ કર્મચારી સરાફત અલીના પુત્ર અયાને 14 ફેબ્રુઆરી, 2025ના રોજ દાદાના ઘરે રમતી વખતે આકસ્મિક રીતે સાબુ બનાવવા માટે વપરાતું કેમિકલ પી લીધું હતું. ઘટનાના થોડા સમય બાદ તેને ગળામાંથી ખોરાક ઉતારવામાં ભારે તકલીફ થવા લાગી. પ્રવાહી કે ઘન ખોરાક ગળી શકતો ન હોવાથી પરિવારજનોએ તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યો, પરંતુ સારવાર છતાં તેની સ્થિતિમાં કોઈ સુધારો થયો નહોતો.
વધુ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કેમિકલના કારણે અન્નનળી ગંભીર રીતે દાઝી ગઈ હતી અને તે અત્યંત સાંકડી બની ગઈ હતી. અન્નનળીને પહોળી કરવાના અનેક પ્રયાસો નિષ્ફળ જતા અયાનને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકની સ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ તાત્કાલિક ફીડિંગ ગેસ્ટ્રોસ્ટોમી કરવામાં આવી હતી, જેથી પેટમાં સીધો ખોરાક આપી તેના શરીરને જરૂરી પોષણ મળી રહે. ત્યારબાદ મહિનાઓ સુધી તેની પોષણ સ્થિતિ સુધારવા, વજન વધારવા અને સર્જરી માટે તૈયાર કરવા સતત ફોલોઅપ કરવામાં આવ્યો હતો.
સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક અને પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, “આ પ્રકારની સર્જરી ઉતાવળમાં કરી શકાતી નથી. બાળકનું યોગ્ય પોષણ, વજનમાં વધારો, જઠરની ક્ષમતાનું મૂલ્યાંકન અને વિવિધ નિષ્ણાતોની સંકલિત તૈયારી અત્યંત જરૂરી હોય છે.”
17 નવેમ્બર, 2025ના રોજ અયાનની વધુ સર્જિકલ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી, જેમાં ગંભીર રીતે નુકસાન પામેલી અન્નનળી દૂર કરીને ગળાના ભાગમાં ‘ઇસોફેગોસ્ટોમી’ કરવામાં આવી હતી.
ત્યારબાદ 20 મે, 2026ના રોજ ડૉ. રાકેશ જોષી, ડૉ. જયશ્રી રામજી અને તેમની પીડિયાટ્રિક સર્જરી ટીમ તેમજ એનેસ્થેસિયા વિભાગના પ્રોફેસર ડૉ. સીમા ગાંધી અને તેમની ટીમે અતિ જટીલ ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.
શું છે ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી?
ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરીમાં જઠરને ઉપર ખેંચીને છાતીના ભાગમાં લાવવામાં આવે છે અને તેને નવી અન્નનળી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે અન્નનળી ગંભીર રીતે નુકસાન પામે અથવા સંપૂર્ણપણે નકામી બની જાય ત્યારે આ સર્જરી દર્દી માટે જીવનદાયી સાબિત થાય છે.
સર્જરી પહેલાંની મહત્વપૂર્ણ તૈયારીઓ
ગેસ્ટ્રોસ્ટોમી દ્વારા પૂરતું પોષણ આપી બાળકનું વજન અને તાકાત વધારવામાં આવે છે.
પીડિયાટ્રિક સર્જન, એનેસ્થેસિયા નિષ્ણાત, ડાયેટિશિયન અને આઈસીયુ ટીમ સતત દેખરેખ રાખે છે.
માતા-પિતાને સર્જરીની પ્રક્રિયા, સંભવિત જોખમો અને ઓપરેશન બાદની કાળજી અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવે છે.
સર્જરી બાદ અયાને કોઈ મુશ્કેલી વિના ફરીથી મોઢા દ્વારા ખાવા-પીવાનું શરૂ કર્યું હતું. હાલ તેની સ્થિતિ સંપૂર્ણપણે સંતોષકારક હોવાથી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. નોંધનીય બાબત એ છે કે અયાનની તમામ સારવાર અને સર્જરી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી હતી.
માતા-પિતા માટે મહત્વપૂર્ણ ચેતવણી
આ ઘટના દરેક વાલી માટે આંખ ઉઘાડનારી છે. ઘરમાં વપરાતા એસિડ, ક્ષાર, સાબુ બનાવવા માટેના કેમિકલ, ફિનાઈલ, ટોયલેટ ક્લીનર અને અન્ય ઝેરી પદાર્થો બાળકોની પહોંચથી દૂર અને બંધ કબાટમાં રાખવા અત્યંત જરૂરી છે.
ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, “નાનાં બાળકો કોઈપણ વસ્તુ મોઢામાં મૂકી દેવાની કુદરતી વૃત્તિ ધરાવે છે. માત્ર એક ક્ષણની બેદરકારી જીવનભરની પીડાનું કારણ બની શકે છે. જો બાળક દ્વારા આકસ્મિક રીતે કોઈ કેમિકલ પી જવામાં આવે તો ઘરગથ્થુ ઉપચાર કરવાનો પ્રયાસ કર્યા વગર તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવું જોઈએ.”
અયાનની સફળ સારવાર અને સર્જરી એક તરફ અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોની નિષ્ઠા, કુશળતા અને ટીમવર્કનું ઉત્તમ ઉદાહરણ છે, તો બીજી તરફ દરેક માતા-પિતાને પોતાના બાળકોની સલામતી પ્રત્યે વધુ સાવચેત રહેવાનો મજબૂત સંદેશ પણ આપે છે.


