અમદાવાદ : અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ધોળા દિવસે એક મોટી લૂંટની ઘટના બની છે. મારુતિ પ્લાઝા પાસે એડીસી બેંકની સામે આ લૂંટ થતાં આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. લૂંટારૂઓએ અકસ્માત સર્જીને કારચાલક સાથે બોલાચાલી કરી તેનું ધ્યાન ભટકાવ્યું હતું અને અન્ય સાગરીતોએ ગાડીનો કાચ તોડી લૂંટ ચલાવી હતી. આ ઘટનાની જાણ થતાં જ કૃષ્ણનગર પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.
રિપોર્ટ મુજબ, શનિવારે (27મી જૂન) સવારના સમયે કારચાલક બાપુનગર વિસ્તારમાં આવેલી એક આંગડિયા પેઢીમાંથી 50 લાખ રૂપિયાની રોકડ રકમ એક થેલામાં ભરીને પોતાની કાર દ્વારા કોઠિયા હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન તે કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા મારુતિ પ્લાઝા કોમ્પ્લેક્સ નજીક પહોંચ્યા, ત્યારે રસ્તામાં આ લૂંટનો બનાવ બન્યો હતો.
બાઈક પર આવેલા લૂંટારૂઓએ પહેલા અકસ્માત સર્જ્યો હતો, કારચાલક કારની નીચે ઉતર્યો હતો અને બાઈકસવાર શખસે તેની સાથે ઝઘડો શરૂ કરી દીધી હતી. કારચાલક આ ઝઘડામાં વ્યસ્ત હતો, આ દરમિયાન તેની નજર ચૂકવીને બીજા બાઈક પર હેલમેટ પહેરીને આવેલા બે અજાણ્યા શખસો ત્યાં ત્રાટક્યા હતા. તેણે પલકવારમાં કારનો કાચ તોડી નાખ્યો અને ગાડીમાં પડેલા 50 લાખ રૂપિયાની રોકડ ભરેલી બેગ ઉપાડીને ગણતરીની રફુચક્કર થઈ ગયા હતા.
ભોગ બનનાર દ્વારા હોબાળો મચાવતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તુરંત પોલીસને જાણ કરાઈ હતી. હાલમાં કૃષ્ણનગર પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે. આ લૂંટના કેસનો ભેદ ઉકેલવા માટે પોલીસની અલગ-અલગ ટીમો કામે લગાડવામાં આવી છે. લૂંટારુઓને ઝડપી પાડવા માટે ઘટનાસ્થળની આસપાસના તમામ સીસીટીવી (CCTV) ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદ લેવામાં આવી રહી છે.


