અમદાવાદ : ગુજરાત સરકારે નાગરિકોને સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ તેમના ઘર નજીક, ઓછા સમયમાં અને પારદર્શક રીતે ઉપલબ્ધ કરાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા તા. 5 ઑગસ્ટ, 2026ના રોજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સેવાસેતુ કાર્યક્રમ યોજવા અંગે બે અલગ-અલગ ઠરાવો કરીને રાજ્યવ્યાપી સેવાસેતુ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં ‘સેવાસેતુ 2.1’(ગ્રામ્ય) બે તબક્કામાં યોજાશે, જ્યારે શહેરી વિસ્તારોમાં 21 સપ્ટેમ્બરથી સેવાસેતુનો 12મો તબક્કો શરૂ કરવામાં આવશે. આ અંગે GAD દ્વારા રાજ્યની તમામ જિલ્લા, તાલુકા, ગ્રામ પંચાયતો તેમજ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ માટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
શહેરી વિસ્તારોમાં પણ 21 સપ્ટેમ્બરથી 9 ઑક્ટોબર, 2026 દરમિયાન સેવાસેતુનો 12મો તબક્કો યોજાશે. મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં વોર્ડ ક્લસ્ટર બનાવી શિબિરો યોજાશે કે જેથી દરેક નાગરિકને પોતાના વિસ્તાર નજીક જ સરકારી સેવાઓ મળી રહે.
જ્યારે ગ્રામ્ય સેવાસેતુ આ વખતે બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 6 ઑગસ્ટથી 19 સપ્ટેમ્બર, 2026 સુધી ચાલશે કે જેમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકના દાખલા સંબંધિત સેવાઓ પૂરી પાડવામાં આવશે તેમજ બેંક ખાતાં, e-KYC, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સહિત વિવિધ યોજનાઓ માટે જરૂરી દસ્તાવેજોની તૈયારી અને પાત્ર લાભાર્થીઓની ઓળખ કરવામાં આવશે.
જ્યારે બીજો તબક્કો 21 સપ્ટેમ્બરથી 9 ઑક્ટોબર, 2026 દરમિયાન યોજાશે કે જેમાં ગામોના ક્લસ્ટર સ્તરે શિબિરો યોજીને નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ વ્યવસ્થાની સૌથી મોટી વિશેષતા એ છે કે પ્રથમ તબક્કામાં પાત્ર લાભાર્થીઓની યાદી તૈયાર કરીને બીજા તબક્કામાં તેમને તરત જ યોજનાઓનો લાભ મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે. પરિણામે સેવા વિતરણની ગતિમાં વધારો થશે અને યોજનાનો લાભ 100 ટકા પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવશે.
સેવાસેતુ શિબિરોમાં નાગરિકોને આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકનો દાખલો, વારસાઈ નોંધ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જનધન ખાતું, કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ, માતૃશક્તિ યોજના, સ્વામિત્વ યોજના, બેન્કિંગ સેવાઓ, અનુસૂચિત જાતિના જાતિ પ્રમાણપત્ર, ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના સહિત અનેક સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવશે. સંબંધિત વિભાગોના અધિકારીઓ સ્થળ પર હાજર રહી અરજીઓ સ્વીકારશે અને મોટાભાગની સેવાઓ શિબિર દરમિયાન જ પૂરી પાડવામાં આવશે.
સેવાસેતુ માત્ર અરજીઓ સ્વીકારવા પૂરતો મર્યાદિત નહીં રહે. શિબિરોમાં નાગરિકોને ડિજિટલ ટ્રાન્ઝેક્શન, BHIM એપ અને અન્ય ડિજિટલ સેવાઓના ઉપયોગ અંગે તાલીમ પણ આપવામાં આવશે. આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજનો અને મહિલાઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે કે જેથી તમામ વર્ગોને કોઈ પણ મુશ્કેલી વિના સેવાઓનો લાભ મળી શકે.


