અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા તળવા માટે ઉપયોગમાં લેવાતા તેલ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન AMC ની ટીમે ઇસનપુર વિસ્તારમાં આવેલા જાણીતા ‘જલારામ ખમણ હાઉસ’ પર અચાનક દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ગંભીર ક્ષતિઓ મળી આવતાં તંત્ર દ્વારા આ ખાણીપીણીના એકમને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવ્યું છે.
રિપોર્ટ મુજબ, તપાસ દરમિયાન હેલ્થ વિભાગે ખમણ હાઉસમાં વપરાતા તળવાના તેલની ‘ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ’ (TPC) મશીન વડે સ્થળ પર જ ચકાસણી કરી હતી. ખાદ્ય સુરક્ષાના નિયમો અનુસાર તેલમાં TPC નું પ્રમાણ વધુમાં વધુ 24 સુધી હોવું જોઈએ, તેની જગ્યાએ જલારામ ખમણ હાઉસમાં વપરાતા તેલમાં આ પ્રમાણ 38 સુધી નોંધાયું હતું. એકના એક તેલનો વારંવાર ઉપયોગ કરવાથી તેલમાં આટલું ઊંચું TPC પ્રમાણ આવે છે, જે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થાય છે.
ફૂડ વિભાગની તપાસનો મુખ્ય મુદ્દો Total Polar Compounds એટલે કે TPC રહ્યો હતો. તળવા માટે તેલનો વારંવાર અને લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં આવે ત્યારે તેમાં વિવિધ રાસાયણિક ફેરફારો થઈ શકે છે અને TPCનું પ્રમાણ વધી શકે છે. આવી સ્થિતિમાં જાહેર આરોગ્યની દૃષ્ટિએ તેલની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે.
AMC હેલ્થ વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે શહેરમાં આવા અખાદ્ય અને સ્વાસ્થ્ય માટે હાનિકારક તેલનો ઉપયોગ કરતા તમામ નાના-મોટા વેપારીઓ સામે આગામી દિવસોમાં પણ આ જ પ્રકારે કડકમાં કડક કાનૂની કાર્યવાહી અને સીલિંગની ઝુંબેશ ચાલુ રહેશે.


