અમદાવાદ : અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 21 નવેમ્બર 2026ના રોજ આયોજિત દિલજીત દોસાંજના લાઇવ મ્યુઝિક કોન્સર્ટમાં આવનારી ભીડને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન(GMRC) દ્વારા અમદાવાદ અને ગાંધીનગર બંને કોરિડોરમાં મેટ્રો ટ્રેન સેવાનો સમય રાત્રે 11:30 કલાક સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત શહેરના પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડીને સ્ટેડિયમ તરફ જતા કેટલાક માર્ગો પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
રિપોર્ટ મુજબ, પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંઝના AURA ઈન્ડિયા ટૂર અંતર્ગત 21 નવેમ્બરે એટલે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભવ્ય લાઈવ કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન(GMRC) દ્વારા અમદાવાદ અને ગાંધીનગર બંને કોરિડોરમાં મેટ્રો ટ્રેન સેવાનો સમય રાત્રે 11:30 કલાક સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે. લંબાવેલા સમય દરમિયાન મુસાફરોને પ્રવેશ માત્ર મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી જ આપવામાં આવશે, જ્યાંથી તેઓ બંને કોરિડોરના કોઈપણ ચાલુ સ્ટેશન સુધી મુસાફરી કરી શકશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારા આ ભવ્ય કાર્યક્રમને ધ્યાનમાં રાખીને શહેરના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ 21 નવેમ્બરે બપોરે 3 વાગ્યાથી કોન્સર્ટ પૂર્ણ થાય ત્યાં સુધી કેટલાક માર્ગો પર વાહનવ્યવહાર પ્રતિબંધિત રહેશે. જાહેરનામા અનુસાર, જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટ સુધીનો માર્ગ તેમજ કૃપા રેસિડેન્સી ટીથી મોટેરા ગામ ટી સુધીના રસ્તા પર તમામ પ્રકારનાં વાહનોની અવરજવર બંધ રહેશે. આ સમય દરમિયાન વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.
વૈકલ્પિક માર્ગ તરીકે તપોવન સર્કલથી ONGC ચાર રસ્તા, વિસત ટી, જનપથ ટી થઈ પાવર હાઉસ ચાર રસ્તા તરફ જઈ શકાશે. જ્યારે કૃપા રેસિડેન્સી ટીથી શરણ સ્ટેટસ ચાર રસ્તા, ભાટ-કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ જઈ શકાશે.અમદાવાદ શહેર પોલીસ દ્વારા જાહેર જનતાને ટ્રાફિક પ્રતિબંધ દરમિયાન વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને પોલીસની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
જાહેર કરાયેલા ટ્રાફિક નિયમો અને પ્રતિબંધોનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની કલમ 223 તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 હેઠળ કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.


