અમદાવાદ : અમદાવાદના સોલા રોડ પર આવેલા પારસનગર પેટ્રોલ પંપ પાસેથી ઘાટલોડિયા પોલીસે ડમી ટ્રેપ ગોઠવી રૂ.8.33 લાખની કિંમતની નકલી નોટો સાથે 2 શખ્સોની ધરપકડ કરી છે. આ આરોપીઓએ અગાઉ ઊંઝાના વેપારીને આંગડિયા પેઢી મારફતે નકલી નોટો પધરાવી 40 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. ઘાટલોડિયા પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી સમગ્ર નેટવર્કની તપાસ શરૂ કરી છે.
રિપોર્ટ મુજબ, મહેસાણાના ઊંઝામાં જીરું અને વરિયાળીનો વેપાર કરતી બીબી ટ્રેડર્સ પેઢીના માલિક રોહિતકુમાર પટેલને 17 નવેમ્બરના રોજ નાગપુરથી આંગડિયા પેઢી મારફતે ₹40 લાખ મળવાના હતા. આંગડિયા મારફતે બે શખ્સોએ તેમને બેંક જેવી પેપર બેન્ડથી વીંટાળેલા નોટોના બંડલ ભરેલો થેલો આપ્યો હતો. જોકે, વેપારીએ થેલો ખોલીને તપાસ કરતાં તેમાં રહેલી તમામ નોટો નકલી હોવાનું સામે આવ્યું હતું. નોટો પર ‘Children Bank of India’ લખેલું હતું. બીજી તરફ, નાગપુરમાં આ રકમ અગાઉથી ચૂકવી દેવામાં આવી હોવાથી વેપારી સાથે રૂ.40 લાખની છેતરપિંડી થઈ હતી. આ ઘટનાથી ચોંકી ગયેલા રોહિતકુમાર પટેલે પોલીસનો સંપર્ક કર્યો હતો. આરોપીઓને પકડવા માટે તેમણે પોલીસને સહકાર આપ્યો અને ડમી ટ્રેપ ગોઠવવામાં મદદ કરી હતી.
ફરિયાદી રોહિત પટેલના પિતા નરેન્દ્રભાઈ પટેલના નામે અમદાવાદમાં રોકડ રકમની એક ડમી ડિલિવરી ગોઠવવામાં આવી હતી. 19 નવેમ્બરના રોજ આરોપીઓએ ફરિયાદીનો વોટ્સએપ મારફતે સંપર્ક કરીને પેમેન્ટ લેવા માટે આવી પહોંચ્યા હોવાની જાણ કરી હતી. આ માહિતીના આધારે PSI એચ.ડી. જોશીના નેતૃત્વ હેઠળ ઘાટલોડિયા પોલીસે સોલા રોડ પર આવેલા પારસનગર પેટ્રોલ પંપ પાસે ટ્રેપ ગોઠવી હતી. આ દરમિયાન નકલી નોટો સાથે પહોંચેલા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓની ઓળખ આ પ્રમાણે થઈ છે:
– રાહુલ સિંહ ઠાકુર (ઉંમર 23 વર્ષ), રહેવાસી દિલ્હી.
– માલચંદ શર્મા (ઉંમર 30 વર્ષ), રહેવાસી બિકાનેર, રાજસ્થાન.
પોલીસે આરોપીઓ પાસેથી ₹500ના મૂલ્યની કુલ 1,666 નકલી નોટો ધરાવતા 17 બંડલ જપ્ત કર્યા હતા. આ નોટોની કુલ કિંમત રૂ.8.33 લાખ થાય છે. આ બંડલો બોગસ ICICI Bankના લેબલ અને સ્ટેમ્પ ધરાવતા પીળા કાગળમાં વીંટાળેલા હતા. નોટો પર ‘Bharatiya Manoranjan Bank-Paanch Sau Coupon’ અને ‘Children Bank of India’ જેવા શબ્દો લખેલા હતા. આ રીતે નોટોને અસલી ચલણી નોટો તરીકે રજૂ કરીને છેતરપિંડી કરવાનો પ્રયાસ કરવામાં આવતો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું હતું કે નકલી નોટો પહોંચાડવા માટે તેમને રેલવે ભાડા ઉપરાંત પ્રત્યેકને રૂ.5,000 આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ રેકેટમાં નોઈડાના ગજાનંદ શર્મા ઉપરાંત ધનરાજ અને વરુણ નામના શખ્સો પણ સામેલ હોવાની પોલીસને શંકા છે. આ માહિતીના આધારે ઘાટલોડિયા પોલીસે કુલ પાંચ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હવે પોલીસ આ નકલી નોટોના નેટવર્કના માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા અને અન્ય કેટલા વેપારીઓ સાથે આ જ રીતે છેતરપિંડી કરવામાં આવી છે તે જાણવા તપાસ કરી રહી છે.


