31.7 C
Gujarat
Tuesday, October 15, 2024

”શિક્ષણ, સંસ્કાર અને સોંઘવારીનો સમન્વય એટલે અક્ષર પ્રાથમિક શાળા”, જાણો શાળાની 48 વર્ષની સફર વિશે

Share

અમદાવાદ : સાંપ્રત સમયમાં મર્યાદિત આવક અને વધતી મોંઘવારીનો માર વેઠનાર દરેક નાગરિકને તેમના પોતાના બાળકોના શિક્ષણનો ખર્ચ પણ ખૂબ મૂંઝવે છે. બાળકને શાળામાં મૂકો તે દિવસથી સ્કુલ ફી, સ્ટેશનરી ખર્ચ, સ્કુલડ્રેસથી લઇ વાહનવર્ધીના ખર્ચ દરેક માતા-પિતાના માસિક બજેટને અસર કરે છે. મોટી મોટી શાળાના મોટા નામથી આકર્ષણ પામીને અને બીજા બાળકને અડોશ-પડોશમાં ત્યાં જતું જોઇ, માતા-પિતા એકવાર બાળકને મોટી શાળામાં મૂકી તો દે છે પરંતુ જેમ જેમ તે અભ્યાસના વર્ષોમાં આગળ વધે છે, તેના શિક્ષણ અને ટયુશનના ખર્ચ પાછળ માતા-પિતાની બધી બચત વપરાઇ જાય છે.

આવી મોટી મોટી શાળાના ખર્ચ અને શિક્ષણની બાંહેધરી આપતી શાળાઓને નાની નાની શાળાઓ વિકલ્પ સ્વરૂપ ઊભરીને આવી છે. આવી જ આપણા વિસ્તારની જૂની અને જાણીતી શાળા એટલે અક્ષર પ્રાથમિક શાળા. છેલ્લા 48 વર્ષથી નવા વાડજ વિસ્તારમાં એકધારું ઉત્તમ શિક્ષણ આપતી શાળામાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને સમાજમાં યથાયોગ્ય પદવી ઉપર નિષ્ઠાથી ફરજ બજાવી રહ્યા છે. મિર્ચી ન્યૂઝની ટીમે શાળાની મુલાકાત લઇને શાળાની અવિરત શિક્ષણયાત્રાને વિગતે જાણવાનો પ્રયાસ કર્યો.

અક્ષર પ્રાથમિક શાળા, શ્રીનગર સોસાયટી, કેશવબાગ વાડી સામે, નવા વાડજ. છેલ્લા 48 વર્ષથી જે નિષ્ઠાથી બાળકોને તૈયાર કરે છે, તેના મૂળ મજબૂત કરનાર શાળાના સ્થાપક શ્રીમતી શાંતાબેન શરદભાઇ જોષી છે. જેમણે નવા વાડજ જ્યારે જંગલ વિસ્તાર હતો ત્યારે ઘેર ઘેર ફરી એક બાળકથી શાળા શરૂ કરી હતી. શાળા પાસે ઇમારત નહોતી ત્યારે બેંક ઓફ બરોડા અને ફેવરીટ સોસાયટીમાં ભાડાના રૂમ લઇ બાળકોને શિક્ષણ આપવાનું શરૂ કર્યું હતું. શ્રીમતી શાંતાબેનનો પહેેલેથી જીવનનો સિધ્ધાંત હતો કે જો બાળકને તૈયાર કરીશું, તે મોટું થઇ કંઇક બનશે તો તેના આશીર્વાદથી ઇશ્વર દરેક જગ્યાએ સાક્ષાત આવીને ઊભા રહેશે.એ નિયમને અનુસરતા પ્રમાણિકતાથી શાળાનો વિકાસ કરતા ગયા અને શાળા માટે જગ્યા પણ લીધી અને ઇમારત પણ ઊભી થઇ ગઇ. તે સમયે તેમને શ્રીમતી તારાબેન, શ્રીમતી પ્રજ્ઞાબેન, શ્રીમતી હંસાબેન, શ્રીમતી ચંદ્રિકાબેન, શ્રીમતી મંજુલાબેન જેવા પ્રમાણિક શિક્ષકોએ શાળાને આગળ વધારવામાં રાતદિવસ એક કર્યા. પેઢી દર પેઢી જેમ જેમ વર્ષો વિત્યા આ સિનિયર શિક્ષકોએ યુવાન શિક્ષકોને કેળવણી આપતા ગયા અને તેનો લાભ વિદ્યાર્થીઓને થતો ગયો. નવી પેઢીમાં શ્રીમતી શાંતાબેનના પરિવારના સભ્યો અક્ષરભાઇ જોષી તથા માનવભાઇ જોષી હાલ શાળાનું સંચાલન તે જ સિધ્ધાંતોને માથે રાખી કરી રહ્યા છે. અને તેનું પરિણામ એ છે આજના ઇંગ્લીશ મીડિયમના સમયમાં પણ ગુજરાતી મીડિયમની આ શાળા ખડેપગે ઊભી છે.

અક્ષરભાઇને શાળાની વિશેષતા પૂછતા તેઓ જણાવે છે કે મોટાબહેને કીધું છે કે બાળકોનો ખોટો પૈસો કદી ન લેવો. તેને માથે રાખી અમે કયારેય કોઇપણ ધોરણમાં પ્રવેશ માટે ડોનેશન લીધું નથી. ક્યારેય કોઇ વિદ્યાર્થીને કોઇ એક દુકાનેેથી જ ડ્રેસ કે પુસ્તકો ખરીદવા ફરજ પાડી નથી. ‘’સ્કુલડ્રેસમાં અને સ્ટેશનરીમાં કમિશન એ આપણી શાળાને ન પાલવે’’ એમ શીખ આપનાર મોટાબેનના શબ્દોનું અમે બંન્ને ભાઇઓએ સતત માન રાખ્યું છે. તદ્‌ઉપરાંત શાળામાં થતી દરેક સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ અને ઇતરપ્રવૃત્તિઓ માટે ક્યારેય બાળકને ખોટો ખર્ચ ન કરાવવો એ પણ શાળાનો નિયમ છે. નાટક હોય તો ડ્રેસના કપડાં, સાયન્સ ફેર હોય તો મટીરીયલ ખર્ચ અને શાળા ડેકોરેશન હોય તો પણ દરેક ખર્ચ શાળા જ ભોગવે છે.

શાળાએ હંમેશા તકલીફ અને આર્થિક સંકડામણ અનુભવતા વાલીને આર્થિક રાહત આપી છે. વિધવા બહેનોના બાળકોની ફી નો અમુક ભાગ મોટાબેન પોતે પોતાના ફંડમાંથી આપે છે. આમ કરતાં પણ બાળક ફી ના અભાવે અભ્યાસ ન બગડે તે જ ઉદેશ્યથી શાળા ચાલે છે. આવા બાળકો જે ફી નહોતા ભરી શકતા અને શાળામાંથી જેને આ રીતે રાહત મળી હતી તે બાળકો આજે ઊંચી પોસ્ટ પર પહોંચ્યા પછી પોતાના ભૂતકાળને યાદ કરી ખાનગીમાં આવા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પુસ્તકોના સેટ અને સ્ટેશનરી માટે ખાનગી દાન કરે છે.

માનવભાઇ કે જે બાળકો સાથે અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃતિથી જોડાયેલા છે, તેઓ જણાવે છે કે આજના યુગમાં ઇંગ્લીશનું મહત્વ સમજી શાળાએ છેલ્લા ૧૫ વર્ષથી ગુજરાતી માધ્યમમાં જ અંગ્રેજી મીડિયમનું ઇંગ્લીશ ભણાવવાનો સંકલ્પ કરેલ છે. તે માટે માનવભાઇ પોતે, તેમના ધર્મપત્ની કે જેઓ એમ.એ.બી.એડ. ઇંગ્લીશ સાથે છે તથા દીકરી કુમારી મોક્ષદા જોષી (બી.એ., બી.એડ.) ત્રણેય મળીને શાળામાં અંગ્રેજી વિષય ભણાવે છે. શાળાનું નામ આજે ઇંગ્લીશના અભ્યાસને કારણે ખૂબ પ્રસિદ્ધ છે, અને બાળકોને વ્યવહારિક ઇંગ્લીશ શીખવા મળતું હોવાથી કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ સારા ગુણ સાથે પાસ થાય છે. અને બીજા રાજ્યોમાં પણ એન્ટરન્સ પરીક્ષાઓમાં સારું રીઝલ્ટ મેળવે છે. તેના માટે શાળામાં રોજ સવારે 7 થી 8 વધારાના ઇંગ્લીશના વર્ગો લેવામાં આવે છે. છેલ્લા 26 વર્ષથી ચાલતા આ વર્ગોની કોઇપણ પ્રકારની ફી શાળાએ આજ સુધી લીધી નથી.

શાળાની બીજી ઓળખ તે શાળામાં થતી ઇતરપ્રવૃત્તિ છે. બાળકને સમાજમાં ગયા પછી વિવિધ ક્ષેત્રે કામમાં આવે તેની પ્રવૃત્તિ શાળાના જ હોલમાં દર મહિને થાય છે. જેથી વાલીને હોલના ભાડા માટે કે ડ્રેસ પેટે કોઇ ચાર્જ આપવો પડતો નથી. નર્સરી થી ધોરણ-8 સુધી ચાલતી ટચૂકડી અક્ષર પ્રાથમિક શાળાએ નવા વાડજ વિસ્તારને ઘણાં ઉત્કૃષ્ટ નાગરિકની ભેટ આપી છે અને એ નાગરિકો દેશમાં અને દેશની બહાર જઇ શાળાનું નામ રોશન કરી રહ્યા છે એ જ શાળાની સિધ્ધિ છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles