અમદાવાદ : શહેરના બોડકદેવ વિસ્તારમાં બિલ્ડીંગનો એક હિસ્સો ધરાશાયી થવાનો બનાવ સામે આવ્યો હતો. બોડકદેવ વોર્ડમાં આવેલા જર્જરીત સગુન એપાર્ટમેન્ટને તોડવા જતા બાજુમા આવેલ ગુરુકૃપા એપાર્ટમેન્ટના બે ફલેટની દિવાલ ધરાશાયી થતા ફલેટમાં રહેતા રહીશોમા ભારે ભયની લાગણી જોવા મળી હતી.જો કે આ ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. ઘટનાની જાણ થતાજ ફાયરબ્રિગેડનો કાફળો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઘટના અંગે ગુરુકૃપા ફલેટના રહીશના કહેવા મુજબ, સગુન-1 અને 2ની વચ્ચે તેમનુ ગુરુકૃપા એપાર્ટમેન્ટ આવેલ છે. વર્ષ-2001 માં આવેલા ભૂકંપ સમયથી સગુન-1 અને 2 જર્જરીત હાલતમાં હતા. મ્યુનિસિપલ કોર્પોરેશને અનેક નોટિસ આપ્યા પછી પણ તેને તોડવામા આવતા નહતા. શનિવારે બપોર પછી જે.સી.બી.ની મદદથી માટીનુ મકાન તોડતા હોય તેમ જર્જરીત સગુન એપાર્ટમેન્ટ તોડવાનુ શરુ કરાયુ હતુ.કોઈ પણ જાતના પ્રીકોશન વગર એપાર્ટમેન્ટ તોડવાની શરુઆત કરાતા અમારો ગુરુકૃપા એપાર્ટમેન્ટ આખો હાલી ગયો હતો.જાણે હમણાં અમારો ફલેટ તૂટી પડશે એમ લાગતુ હતુ. ગુરુકૃપા એપાર્ટમેન્ટના બે ફલેટની સાઈડની દિવાલો ધરાશાયી થઈ હતી. ગુરુકૃપા એપાર્ટમેન્ટમાં હાલ સો રહીશો વસવાટ કરી રહયા છે. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ બચાવ કામગીરી માટે મોકલવામાં આવી હતી.
સારી વાત એ રહી કે જર્જરીત હોવાને કારણે બિલ્ડિંગ સંપૂર્ણ ખાલી હતું અને એકપણ વ્યક્તિ તેમાં નહોતી. સગુન-1 અને 2 બિલ્ડિંગનું રિ ડેવલપમેન્ટ ચાલી રહ્યું હતું. ડિમોલેશન કરતા સામે બાજુના એપાર્ટમેન્ટ પર કાટમાળ પડ્યો અને ગુરુકૃપા એપાર્ટમેન્ટને નુકશાન થયું. બિલ્ડીંગ જર્જરીત થતાં તોડવાનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન આ ઘટના ઘટી હતી.