અમદાવાદ : અમદાવાદમાં પોલીસે નવતર પહેલ કરી છે. હેલ્મેટ પહેર્યા વગરના લોકોને ફ્રી હેલ્મેટનું વિતરણ કરીને તેને પહેરવા માટે સમજાવવામાં આવ્યા હતા.અમદાવાદમાં પોલીસ દ્વારા લોકોને દંડ આપવાને બદલે હેલમેટ વિતરણ કરવામાં આવી રહ્યું છે. રસ્તા પર હેલમેટ નહીં પહેરનાર લોકોને પોલીસ હેલમેટ વિતરણ કરી રહી છે. લોકોમાં હેલમેટ પ્રત્યે જાગૃતિ આવે અને હેલમેટ પહેરવાના ફાયદા સમજાવવા પોલીસ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે બાદ પોલીસે હેલમેટ વિતરણ કરી લોકોને જાગૃત કર્યા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા સરસપુર બ્રિજથી અમદુપુરા થઈને મેમ્કો ચાર રસ્તા સુધી ઝોન 3 ડીસીપીની આગેવાનીમાં પોલીસ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ પોલીસ કર્મચારીએ હેલ્મેટ પહેરી હતી. બાઈક રેલીની સાથે સ્લોગન લખેલા પ્લે કાર્ડ પણ બતાવવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા મેમ્કો ચાર રસ્તા પાસે હેલ્મેટ પહેર્યા વગર નીકળેલા લોકોને રોકીને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 100 જેટલા લોકોને ફ્રી હેલ્મેટનું વિતરણ કરાયું હતું. લોકોએ હેલ્મેટ નહીં પહેરવા બદલ વિવિધ કારણો બતાવ્યા હતા. જેથી તમામ લોકોને હેલ્મેટ પહેરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, ટ્રાફિકના નિયમોની અવરેનસ માટે એક ડ્રાઈવનું આયોજન કરાયું હતું. લોકો હેલ્મેટ પહેરવા પ્રેરિત થાય તે માટે આ રેલી યોજાઈ હતી. અકસ્માતના ઘણા કેસમાં ટુ વ્હીલર ચાલકે હેલ્મેટ પહેર્યું નથી હોતું. લોકો હેલ્મેટ પહેરતા થાય તે માટે આનું આયોજન કરવામાં આવ્યું હતું.
થોડા દિવસ પહેલા સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ રાજકોટમાં થયેલા વિરોધ બાદ સુરત સહિત સમગ્ર રાજ્યમાં લોકોને હેલ્મેટ પહેરવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકારને આ કાયદા પર ફરીથી વિચારણા કરવા વિનંતી કરી હતી.