અમદાવાદ : શહેરના નિર્ણયનગર વિસ્તારમાં આવેલ સ્વામીનારાયણ સ્કુલ ફરી વિવાદોમાં આવી છે, સ્કૂલ બંધ થવાને લઈને RTEના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ થતા આજે 150થી વધુ વાલીઓએ નિર્ણયનગરથી લઇને ડીઇઓ કચેરી સુધી રેલી યોજી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ રેલીમાં વિધાર્થીઓ પણ જોડાયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ અગાઉ પણ ડીઇઓ સુધી રજૂઆત બાદ કોઇ નિર્ણય ન લેવાતા વાલીઓએ નિર્ણયનગરથી ડીઇઓ કચેરી સુધી રેલી યોજી પોતાનો વિરોધ નોંધાવી વિદ્યાર્થીઓના ભાવિને લઈને ચિંતા વ્યક્ત કરી છે. એટલું જ નહીં આ રેલીમાં વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. વિદ્યાર્થીઓએ પણ હાથમાં પોસ્ટરો લઈને વિરોધ નોધાવ્યો હતો. શાંતિ પૂર્વક માહોલની વચ્ચે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહત્વનું છે કે, સ્કુલ બંધ થવાને લઇને RTEના વિદ્યાર્થીઓના એડમિશનને લઇને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. 25 દિવસ પહેલા પણ વાલીઓ દ્વારા સ્કૂલ આગળ હોબાળો મચાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ડીઇઓમાં એડમિશનને લઇને વાલીઓ દ્વારા રજુઆત કરવામાં આવી હતી.