(માનવ જોશી દ્વારા) અમદાવાદ : જીવતરની સફરમાં અબાલ હોય કે વૃદ્ધ દરેકને કોઈને કોઈ પરિસ્થિતિમાં કપરી કસોટીનો સામનો કરવો પડે છે.આવી જ એક કસોટીમાં પોતાના શરીરની મર્યાદાઓ વીસરી જઈને પોતાના દ્રઢ મનોબળ થકી સફળતા પ્રાપ્ત કરનાર એક દીકરીની વાત કરવી છે.
વડોદરાની યશ્વી પટેલ કે જે મધ્યમ વર્ગ પરિવારની એકની એક દીકરી કે જેને 2021 માં ગુલીયન બેરી સીનડ્રોમ (G.B.S.), સરળ ભાષામાં પેરાલીસીસની ગંભીર બીમારીએ પોતાના ભરડામાં લીધી. આ બીમારીને કારણે 2022 કે બોર્ડની પરીક્ષા આપી ન શકી. એક તો સાયન્સ સ્ટ્રીમ, તેમાં ગંભીર બીમારી અને છતાં પરીક્ષા આપવાની ધગશ !! નવા વાડજમાં શિવાલિક સ્કવેરમાં આવેલ સ્નેહ હોસ્પિટલમાં 78 દિવસ સુધી વેન્ટીલેટર ઉપર રહ્યા બાદ યશવીની તબિયતમાં સુધારો થયો. આમ 19 માસની આકરી સારવાર દરમિયાન તેના મસ્તિષ્કમાં સતત એક જ નિર્ધાર રહ્યો કે મારે કોઈપણ ભોગે બોર્ડની પરીક્ષામાં બેસી સારામાં સારા ગુણ મેળવવા છે અને મારા માતા-પિતાને ભવિષ્યમાં કોઈ તકલીફ ન પડે એ માટે મારા પોતાના પગ પર ઊભા થવું છે.
જ્યારે માણસનો નક્કી કરેલ ધ્યેય અડગ અને અચલ હોય ત્યારે મેરુ પર્વત પણ તેની સામે ડગી જાય એ સ્વાભાવિક છે. 19 માસની સારવાર પછી વ્હીલચેરમાં બેસીને 2023 માં બોર્ડની પરીક્ષામાં તેણે બધા પેપર આપ્યા અને આ વર્ષે જ્યારે ખૂબ ઓછું પરિણામ આવ્યું છે અને ઘણા વિદ્યાર્થીઓ નપાસ થયા છે, ત્યારે યશ્વી પટેલે 50 ટકા ગુણ મેળવીને પહેલા જ ટ્રાયલે ધોરણ 12 સાયન્સ પાસ કર્યું છે. I.T. ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવા માગતી યશ્વી પોતાના આવનાર ભવિષ્યને પોતાની મહેનત અને લગનથી ચોક્કસ ઉજ્જવળ બનાવશે તેમ તેના માતા પિતાનું દ્રઢ પણે માનવું છે.
વડોદરામાં હરની એરપોર્ટ પર રહેતા અને ટીવી રીપેરીંગ નું કામ કરતા યશ્વીના પિતા અને ગૃહિણી એવા તેમની માતાની આંખમાં પોતાની દીકરી માટે એક ગજબનો આત્મવિશ્વાસ તરવરે છે. તેમના પિતાનું કહેવું છે કે ભલે આજે પણ મારી દીકરી વ્હીલચેરમાં બેઠી છે અને તેના સાજા થવા માટે ડોક્ટરો પણ સ્પષ્ટ નથી ત્યારે અમારા આશીર્વાદ તથા સર્વેની શુભેચ્છાઓ થકી મારી દીકરી ચોક્કસ એક દિવસ સફળતાના શિખર પોતાના પગે ચાલીને નહીં પણ દોડીને પાર કરશે. કેમ કે જ્યારે કોઈ આશા બાકી ન હોય ત્યારે એક પંક્તિ હમેશાં હૃદયમાં ગૂંજે છે…
” જિસકા કોઈ નહીં ઉસકા તો, ખુદા હૈ યારો”