અમદાવાદ : ચોમાસામાં મોટાભાગે પાણીજન્ય રોગોમાં વધારો થતો હોય છે, પરંતુ છેલ્લા થોડા દિવસોથી સુરત બાદ અમદાવાદમાં પણ આંખ આવવાની બીમારી વધી છે. કન્જેક્ટિવાઇટિસ ચેપ બાળકોથી વડીલો સુધી ઝડપથી ફેલાયો છે. અમદાવાદ અને સુરતમાં સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાઈન જોવા મળી છે. સામાન્ય દિવસ માં માત્ર બે થી ત્રણ કેસ પરંતુ અત્યારે 80 થી 90 કેસ આવી રહ્યા છે. વાઇરલ ઇન્ફેક્શન હોવાના કારણે ખૂબ જ ઝડપથી ફેલાય રહ્યો છે. હાથનો સ્પર્શ અથવા વસ્તુઓના સ્પર્શથી પણ આ બીમારી થાય છે. નાના બાળકોમાં આંખની બીમારી વધુ જોવા મળે છે.
હેલ્થ કમિટિના ચેરમેન ભરત પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર તરફથી 10,000 જેટલા આંખના ટીપા મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવામાં આવ્યા છે. ડૉક્ટર દ્વારા તપાસ કરી અને આ આંખના ટીપા લોકોને આપવામાં આવશે.ભેજવાળા વાતાવરણના કારણે ફેલાતાં કન્જકિટવાઈટીસ નામના કેસોમાં વધારો થતાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરો અને કોમ્પ્યુનિટી હેલ્થ સેન્ટરો તેમજ હોસ્પિટલોમાં આંખના ટીપા મફતમાં આપવામાં આવશે. સૌથી વધુ કેસો શહેરના પૂર્વ વિસ્તારમાંથી સામે આવી રહ્યાં છે.
નગરી હોસ્પિટલનાં ડૉક્ટરના જણાવ્યા મુજબ આંખના રોગનો વધારે ચેપ ફેલાઈ નહીં તે માટે ખાસ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. આ કેસ વધવાનું મુખ્ય કારણ ભેજવાળું વાતાવરણ છે. શહેરમાં છેલ્લાં 10 દિવસથી આંખની સમસ્યા કેસમાં અંદાજીત 300 ટકા વધારો જોવા મળી રહ્યો છે. નગરી હોસ્પિટલમાં પહેલા જે દિવસના એક-બે કેસ આવતા હતા. તેની જગ્યાએ હાલમાં રોજના 80 જેટલા કેસ સામે આવી રહ્યા છે. હાલમાં જે કેસ આવી રહ્યા છે, તે લોકોને આંખમાં ઇન્ફેક્શન આંખમાંથી પાણી પડવું, આંખ લાલ થવી જેવા કેસો ખૂબ જ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. આ ઇન્ફેક્શન 10 દિવસ સુધી રહેતું હોય છે એટલે 10 દિવસ સુધી ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે.
આવા ઇન્ફેક્શન ખૂબ જ ચેપી હોય છે. જેના કારણે પોતાની તમામ જીવનજરૂરિયાત ચીજવસ્તુઓ પરિવારના અન્ય સભ્યોથી અલગ રાખવી, જેથી કરીને પરિવારના અન્ય સભ્યોને ચેપ ન લાગે તેનું ખાસ ધ્યાન રાખવું. આ ઉપરાંત દરવાજા કે બારીના હેન્ડલને પણ વારંવાર સાફ કરવા, વારંવાર સાબુથી હાથ ધોવા, આંખના ટીપા નાખ્યા બાદ પણ સાબુથી હાથ ધોઈ લેવા, જેથી કરીને અન્ય લોકોને ઇન્ફેક્શન ના ફેલાય. ખાસ કરીને જો આંખ વધારે પડતી લાલ દેખાય તો ડૉક્ટરને બતાવીને જ તેની સારવાર કરવી જોઈએ.
કેવા હોય છે લક્ષણો
ચેપને કારણે આંખમાં લાલાશ કે સોજો આવવા ઉપરાંત અન્ય લક્ષણો પણ છે-
લાલાશ અને સોજો સાથે આંખોમાં દુખાવો.
પોપચાંને સ્પર્શ કરવાથી પીડા અનુભવવી.
આંખમાંથી આવતો પીળો કે લીલો રંગનો કે રંગહીન પદાર્થ.
પોપચાની આસપાસના પોપડાઓ જામી જમવા.
આંખોમાંથી કચરો નીકળો નીકળે છે.
દ્રષ્ટિની અસ્પષ્ટતા.
આંખોમાંથી સતત પાણી આવવું.
પ્રકાશમાં આવતાં આંખોમાં દુખાવો થવો.
પાંપણોની પાછળ અથવા પાંપણના વાળમાં ગઠ્ઠો જામી જવો.
કેવી રીતે બચશો આ રોગથી
આંખના ચેપથી બચવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ
તમારા હાથને વારંવાર સારી રીતે ધોવાનું રાખો.
તમારા ટુવાલ, રૂમાલ અને આંખના ટીપાં કોઈની સાથે શેર કરશો નહીં કારણ કે તે અન્ય વ્યક્તિને પણ ચેપ ફેલાવી શકે છે.
આંખોને સૂર્યપ્રકાશ અને ધૂળવાળા વાતાવરણથી દૂર રાખો.
તમારી આંખોને તમારા હાથથી ઘસો નહીં અને ગંદા હાથથી તમારી આંખોને સ્પર્શશો નહીં.
આંખોને કોઈપણ બળતરા કરે તેવા પદાર્થ જેમ કે ધુમાડો અથવા રસાયણોની તીવ્ર ગંધ વગેરેના સંપર્કમાં ન આવવા દો.
બહાર જતી વખતે ડાર્ક ચશ્મા પહેરો.
કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરશો નહીં.
આંખો પર શેક કરો, શેકથી લોહીનું ભ્રમણ વધવાથી રોગપ્રતિકારકતા વધે છે.
એન્ટિબાયોટિક દવાનાં ટીપાં કલાકે કલાકે નાંખો.