અમદાવાદ: આગામી 15મી ઓક્ટોબરથી દેશભરમાં નવરાત્રીનો પ્રારંભ થવાનો છે. ત્યારે ગુજરાતીઓમાં તો નવરાત્રીનો તહેવાર અનેરા આનંદ સાથે મનાવવામાં આવે છે. પરંતુ છેલ્લા થોડા સમયથી હાર્ટ અટેકના જે પ્રમાણે કિસ્સાઓ વધી રહ્યા છે. તે જોઇને નવરાત્રીમાં તંત્ર દ્વારા અનેક અગમચેતીનાં પગલા પણ લેવામાં આવી રહ્યા છે. નવરાત્રી પહેલા અમદવાદ મેડિકલ એસોસિએશને પણ ગાઇડ લાઇન જાહેર કરી છે.જેની સાથે અમદાવાદની 26 જેટલી હોસ્પિટલની યાદી પણ જાહેર કરાઈ છે, જેના દ્વારા કોઈ પણ ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર મળી રહે. AMA દ્વારા ખેલૈયા અને આયોજકો બંને માટે ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે. તેના મહત્ત્વના મુદ્દા નીચે પ્રમાણે છે.
ખેલૈયા માટેની ગાઇડ લાઇન
તમારી નિયમિત દવાઓ લેવાનું ચૂકશો નહીં. યોગ્ય લાગે તો એકવાર તમારા ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ અને ગરબા માટે તેમની મંજૂરી મેળવી જોઈએ.
જે વ્યક્તિઓ નિયમિત વ્યાયામ નથી કરતા અને 40 વર્ષથી વધુ ઉંમરના હોય છે, બ્લડ પ્રેશર અને અથવા ડાયાબિટીસ અને અથવા ધૂમ્રપાન અને અથવા હૃદયની સમસ્યાઓનો કૌટુંબિક ઇતિહાસ હોય તેઓએ ગરબા કરતા પહેલા હૃદયની તપાસ કરાવી યોગ્ય રહશે.
હોસ્પિટલના ઇમરજન્સી નંબર
જો તમને ગરબા રમતી વખતે ચક્કર આવે, છાતીમાં ભારેપણું આવે, માથાનો દુખાવો થતો હોય, ઉલટી જેવું થાય, પરસેવો સાથે ગભરામણ થાય, મૂંઝારો થાય, શ્વાસોશ્વાસની તકલીફ થાય તો તરત જ ગરબા રમવાનું બંધ કરી બેસી જજો. જો લક્ષણો વધે તો તરત જ ડોક્ટર પાસે જાઓ.
કૃપા કરીને પૂરતું પાણી લો. દિવસમાં ઓછામાં ઓછું ત્રણ લિટર પાણી લેવું સારું છે. ગરબા રમતી વખતે વારંવાર પાણી અથવા લીંબુ પાણી અથવા જ્યુસ પીવો.
કેળું અથવા નાળિયેર પાણી અથવા મખાના જેવો પોટેશિયમ અને મેગ્નેશિયમ સમૃદ્ધ ખોરાક ખાઓ. ગરબા રમતા પેહલા પેટ ભરીને ખોરાક ના લેશો.
તમને કોઈ બીમારી હોય તો તમારી સાથેના લોકોને તેની જાણ કરશો. જેથી કોઈ સ્વાસ્થ્યની તકલીફ ઊભી થાય તો તાત્કાલિક મદદ કરી શકે.
ગરબા આયોજકો માટે
જો શક્ય હોય તો ગરબા સ્થળ પર પ્રાથમિક સુવિધા સાથે ફરજ પરના ડોક્ટરને રાખવું યોગ્ય રહશે.
નજીકની હોસ્પિટલ સાથે ઔપચારિક જોડાણ કરો. કોઈ ઘટના બને તો તાત્કાલિક હોસ્પિટલને જાણ કરવી.
તમારા સપોર્ટ સ્ટાફ, સુરક્ષા કર્મીઓ ને CPR ટેકનિક ની તાલીમ આપો.
ગરબાના સ્થળે વધુ જગ્યાએ પાણીની વ્યવસ્થા રાખો.
ઘટનાના કિસ્સામાં એમ્બ્યુલન્સના પ્રવેશ અને બહાર નીકળવા માટે સમર્પિત માર્ગ અને સંકેત રાખો
બને તેટલી વધારે જગ્યા પર અને વંચાય તેવા મોટા અક્ષરોમાં ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર લખેલા બોર્ડ લગાવશો.