અમદાવાદ : કેન્દ્ર સરકારના નવા હિટ એન્ડ રનના કાયદાનો ટ્રક ચાલકો દ્વારા દેશભરમાં દેખાવ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે સવારથી જ ટ્રક ચાલક દ્વારા હડતાળ પાડીને અમદાવાદ, રાજકોટ, સુરત, ભરૂચ અને ગીર સોમનાથમાં ભારે વિરોધ કરી રહ્યા છે. ઠેર ઠેર ચક્કાજામ કરવામાં આવ્યો છે, તો ક્યાંક ટાયરો સળગાવ્યાં છે.
પ્રાપ્ત જાણકારી મુજબ કેન્દ્ર સરકારના અકસ્માતના નવા કાયદાને લઈ ટ્રક ડ્રાઈવરમાં રોષ ફેલાયો છે. રાજ્યમાં ઠેર ઠેર ભારે વાહનોના ડ્રાઈવરો દ્વારા વિરોધ નોંધાવામા આવી રહ્યો છે. જેને લઈને હજારો વાહનો અટવાઈ પડ્યા છે. રાજ્યભરમાં ટ્રક અને બસ ડ્રાઈવરોની હડતાળને પગલે આજે હજારો ભારે વાહનોના પૈડા થંભી ગયા છે.
ખેડા નેશનલ હાઈવે પર ટ્રક ચાલકોનો ચક્કાજામ કર્યો હતો. અને મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઈવરો ચક્કજામ કરી નવા કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો.
સુરતમાં પણ મોટા પ્રમાણમાં ટ્રક ડ્રાઈવરો અને સાથે BRTS અને સીટી બસ ચાલકો પણ હડતાળ પર ઉતર્યા છે. અને સુરતમાં આ મામલે ડ્રાઈવરોએ આજથી ત્રણ દિવસની હડતાળ પાડી છે.મહેસાણામાં પણ આ વિરોધની અસર જોવા મળી હતી. મહેસાણાના ખેરાલુના વૃંદાવન ચોકડી પર ડ્રાઈવરોએ દેખાવ કર્યો હતો. અને ખાનગી વાહનોના ચાલકોએ રસ્તા બ્લોક કર્યા હતો. આ સાથે વાહન ચાલકોએ ટાયરો સળગાવી રસ્તા બ્લોક કર્યા હતા.
નવસારીમાં પણ ટ્રક ચાલકો હડતાળ પર ઉતર્યા છે. નવસારીમાં 2 હજારથી વધુ ટ્રક ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે. ટ્રક ચાલકોએ ચીખલી વાંસદા હાઈવે બંધ કર્યો છે.આણંદ અમૂલ ડેરીનાં 150થી વધુ ટેન્કર ચાલકો પણ હડતાળ પર ઉતર્યા છે. જેના પગલે આણંદ, ખેડા, મહીસાગરમાં દૂધ સંપાદનની કામગીરીમાં વિક્ષેપ આવ્યો છે.હડતાળને લઈ 30 લાખ લીટર દૂધ બગાડવાની શક્યતા છે.
ગીર સોમનાથમાં ટ્રક ડ્રાઇવરોની હડતાળને કારણે ચક્કાજામ સર્જાયો હતો. વેરાવળ કોડીનાર હાઇવે નજીક ટ્રકોનો ખડકલો કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે સામાન્ય વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભરુચમાં પણ મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઈવરોએ વિરોધ નોંધાવ્યો હતો. અંકલેશ્વર નજીક ટ્રક ચાલકોએ ચક્કાજામ કરી વાહનો થંભાવી દીધા હતા, જો કે પોલીસે ઘટના સ્થળે પહોંચી વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો.
કેમ કરી રહ્યા છે વિરોધ
આ વિરોધ ભારે વાહનોના ડ્રાઈવરોને લઈ બનાવાયેલા નવા કાયદાને લઈને થઈ રહ્યો છે. આ કાયદા પ્રમાણે હિટ એન્ડ રનના કેસમાં ટ્રકચાલકો સહિતનાં મોટાં વાહનો દ્વારા અકસ્માત સર્જાય અને ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલે લઈ જવામાં ન આવે તો તે ટ્રકચાલક કે મોટા વાહનધારકો સામે 7 લાખનો દંડની જોગવાઈ કરવામા આવી છે આ સાથે 10 વર્ષની જેલની સજાનો કાયદો લવાયો છે.
જાણો શું છે નવો કાયદો ?
ક્રિમિનલ કાયદામાં ફેરફારને લઈને પ્રસ્તાવિત ઈન્ડિયન જસ્ટિસ કોડ 2023માં જો કોઈ વ્યક્તિની બેદરકારીને કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો તેમનું છૂટવું મુશ્કેલ બનશે, કેમકે, આ કાયદા મુજબ હિટ એન્ડ રનના કેસમાં ટ્રકચાલકો સહિતનાં મોટાં વાહનો દ્વારા અકસ્માત સર્જાય તો આઈપીસીની કલમ 104 હેઠળ બેદરકારીથી મૃત્યુનું કારણ બને છે અથવા ઉતાવળ અથવા બેદરકારીભર્યા કૃત્ય દ્વારા મૃત્યુનું કારણ બને છે જેથી આ કિસ્સામાં બે વર્ષ સુધીની મુદતની કેદની સજા અથવા દંડ અથવા બંને સાથે સજા થઈ શકે છે. પરંતુ હવે પ્રસ્તાવિત બિલમાં ઓછામાં ઓછી સાત વર્ષની જેલ અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. જેથી હવે જો આરોપી ઘટના સ્થળેથી ભાગી જાય અથવા ઘટના પછી તરત જ પોલીસ અધિકારી અથવા મેજિસ્ટ્રેટને ઘટનાની જાણ ન કરે, તે બંને સજાને પાત્ર છે, એટલે તેમને તેમને કેદ અને દંડ કરવામા આવશે. જેમાં 10 વર્ષની સજા અને 7 લાખના દંડની જોગવાઈ કરવામા આવી છે.