અમદાવાદ : AMC દ્વારા આયોજીત ફલાવર શો શનિવારથી શરુ થયો છે. શહેરના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં આ ફ્લાવર સો જોવા માટે પહોંચી રહ્યા છે. પ્રથમ દિવસ બાદ AMCએ ફ્લાવર શોના સમયમાં ફેરફાર કર્યો છે. હવે ફલાવર શો રાત્રિના 11 વાગ્યા સુધી ખુલ્લો રખાશે. રાત્રિના 10 વાગ્યા સુધી એન્ટ્રી મળશે અને 11 વાગ્યા સુધી મુલાકાતીઓ ફ્લાવર શોની મુલાકાત લઈ શકશે. આ પહેલા રાત્રિના 9 કલાકે એન્ટ્રી પૂર્ણ કરી 10 કલાકે ફલાવર શો બંધ કરવામાં આવ્યો હતો. પ્રથમ રવિવારે મોટી સંખ્યામાં નાગરિકો આવતા AMCએ આ નિર્ણય કર્યો છે.
ફ્લાવર શોને પ્રથમ દિવસે જ ભારે પ્રતિસાદ મળ્યો હતો. જેના પગલે ફ્લાવર શોના સમયમાં એક કલાકનો વધારો કરવામાં આવ્યો છે. પરિણામે હવે સહેલાણીઓને રાત્રે 10 વાગ્યા સુધી એન્ટ્રી મળશે જ્યારે 11 સુધી ફ્લાવર શોને જોઈ શકાશે. અગાઉ નવ વાગ્યા સુધી જ ટિકિટ મળતી હતી અને દસ વાગ્યા સુધી જ લોકો તેને નિહાળી શકતા હતા.
15 જાન્યુઆરી 2024 સુધી ચાલનારા ફલાવર શોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ ઉપરાંત નવા સંસદભવન, મોઢેરાના સૂર્ય મંદિર સહિતની વિવિધ પ્રતિકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. ફુલ-છોડમાં પીટુનીયા ઉપરાંત ગજેનીયા, બિગોનીયા, તોરણીયા, મેરીગોલ્ડ,લિલિયમ, ઓર્ચિડ, ડહેલિયા, એમરન્સ લીલી,કેકટસ પ્લાન્ટ, જરબેરા જેવા અનેક દેશી અને વિદેશી ફુલ-છોડના રોપા મુકવામાં આવ્યા છે.
12 વર્ષથી વધુની વયના લોકો માટે સોમવારથી શુક્રવાર સુધી 50 રૂપિયા ટિકિટ તથા શનિવાર અને રવિવારે 75 રુપિયા ટિકીટના દર રાખવામાં આવ્યા છે. સ્કેન કરી ઓનલાઈન પણ ટિકીટ મેળવી શકાશે.