મદાવાદ : અમદાવાદમાં નવું મકાન કે રિનોવેશન કરાવવાનું હોય તો આ નિયમ જાણી લેજો. સાત ઝોનમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના 25 પ્લોટ નકકી કરવામાં આવ્યા છે. નિયમ તોડનાર પાસેથી રુપિયા 25 હજારથી લઈ એક લાખ રુપિયા સુધીની પેનલ્ટી વસૂલ કરવામાં આવશે તેમજ ડીમોલીશન વેસ્ટ પડી ના રહે એ માટે હાલ ઝોન દીઠ એક સ્કવોર્ડ કાર્યરત કરાઈ છે. શહેરમાં મકાન રીપેરીંગ કે તેને તોડીને નવા બનાવતી વખતે નીકળતા ડીમોલીશન વેસ્ટના નિકાલ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર મુજબ અમલ કરાવવા નિર્ણય કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ હદ વિસ્તારમાં મકાનના રીપેરીંગ કે નવા બાંધકામ જેવા કારણોથી ઉતપન્ન થતા માટી,પુરણી,બિલ્ડિંગ ડેબરીઝ વગેરે નાંખવા સાત ઝોનમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના 25 પ્લોટ નકકી કરવામાં આવ્યા છે. આ પ્લોટમાં નાગરીકોએ તેમના સ્વખર્ચે ડીમોલીશન વેસ્ટનો નિકાલ કરાવવાનો રહેશે.આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોઈ ચાર્જ વસૂલ કરવામાં આવશે નહીં.મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને શહેરમાં ઉતપન્ન થતા ડીમોલીશન વેસ્ટના યોગ્ય નિકાલ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજરનો ચુસ્ત અમલ કરાવવા તંત્રને તાકીદ કરી છે.કોઈ કારણસર નાગરિકો તેમના મકાનના ડીમોલીશન વેસ્ટનો નિકાલ કરી શકે એમ ના હોય તે સી.સી.આર.એસ. ઉપર 155303 નંબર ઉપર ફરિયાદ નોંધાવી નિયત દર ચૂકવી ડીમોલીશન વેસ્ટનો નિકાલ કરાવી શકશે.આ એસ.ઓ.પી.સરકારી,મ્યુનિ.ના નવા પ્રોજેકટમાં પણ લાગૂ પડશે.શહેરના સાત ઝોનમાં જાહેર જગ્યા,રસ્તા કે ફુટપાથ ઉપર ડીમોલીશન વેસ્ટ પડી ના રહે એ માટે હાલ ઝોન દીઠ એક સ્કવોર્ડ કાર્યરત કરાઈ છે.
નવી એસ.ઓ.પી.મુજબ નાગરિકોના રહેણાંક -ફરિયાદના સ્થળેથી ડીમોલીશન વેસ્ટ ઉપાડવા અંગે એક ટનથી ઓછો ડીમોલીશન વેસ્ટ હોય તો પ્રતિ વાહન ટ્રીપ દીઠ રુપિયા 500, પાંચ ટન સુધીના વેસ્ટના નિકાલ માટે પ્રતિ વાહન ટ્રીપ દીઠ રુપિયા બે હજાર તથા પાંચ ટનથી વધુ ડીમોલીશન વેસ્ટ માટે પ્રતિ વાહન ટ્રીપ દીઠ રુપિયા 3500 વસૂલ કરવામાં આવશે.
શહેરમાં રોડ રીસરફેસની કામગીરી દરમિયાન તોડવામા આવેલા રસ્તાઓની નીકળતી ડેબરીઝનો નિકાલ જે તે એજન્સી પાસે મ્યુનિ.ના નકકી કરવામા આવેલા પ્લોટમાં જ નિકાલ કરાવવામા આવશે.ઉપરાંત સર્વિસ પ્રોવાઈડર એજન્સીઓને ઈજનેર વિભાગ તરફથી મંજુરી આપવામાં આવી હોય તેવા ગેસ કનેકશન લાઈન,ઈલેકટ્રીક,ટેલીફોન વગેરે માટે રસ્તા ઉપર કામગીરી કરાયા બાદ માટી કે ડેબરીઝ પડી ના રહે એ માટે કામગીરી કરાશે.
ડીમોલીશન ડેબરીઝ નિકાલ માટે કયા ઝોનમાં કેટલા પ્લોટ
ઝોન પ્લોટ
પૂર્વ ચાર
પશ્ચિમ એક
ઉત્તર ત્રણ
દક્ષિણ ત્રણ
મધ્ય ત્રણ
ઉ.પ. સાત
દ.પ. ચાર