અમદાવાદ : ઉત્તરાયણ પહેલા CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદથી કરૂણા અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. ઉત્તરાયણમાં ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવા 20 જાન્યુઆરી સુધી અભિયાન ચાલશે. રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણમાં ઘાયલ થનારા પક્ષીઓની સારવાર અને દવા માટે 2017થી અભિયાન શરૂ કર્યું છે. આ પહેલ હેઠળ હજી સુધી 6 વર્ષમાં 85 હજાર પક્ષીઓની સારવાર કરાઇ છે.
ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે ચાલી રહેલા રાજ્યવ્યાપી કરૂણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં કાર્યરત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી અને અબોલ જીવોની સારવાર માટે થતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 13, 2024
ગુજરાત સરકાર દ્વારા કરુણા અભિયાન હેઠળ 459 કલેક્શન સેન્ટર અને 488 સારવાર કેન્દ્ર શરૂ કરાયા છે. સાથે જ વન વિભાગે 1926 અને પશુપાલન વિભાગે 1962 હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. નાગરિકો ઘાયલ પશુઓ માટે 8320002000 મોબાઈલ નંબર પર પણ ફોન કરી શકશે. અમદાવાદમાં 20 સારવાર કેન્દ્રો અને 118 કલેક્શન સેન્ટર તૈયાર કરાયા છે. જ્યારે 216 વેટરનરી ડૉક્ટર અને 2800 સ્વયંસેવકોની ટીમ તૈયાર છે. રાજ્યભરમાં 900થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો 750થી વધુ વેટરનરી તબીબો તેમજ 7700થી વધુ રાજ્યના સેવાભાવી સ્વયંસેવકો ‘કરૂણા અભિયાન’માં સહભાગી થશે.
ગત વર્ષના આંકડાની જો વાત કરવામાં આવે તો 14 હજાર જેટલા ઘાયલ પક્ષીઓ આ સારવાર કેન્દ્રમાં આવ્યા હતા અન તેમની સારવાર કરવામાં આવી હતી. રાજ્યવ્યાપી ચાલતા અભિયાન અંતર્ગત 800 વેટરનરી તબીબો કરુણા અભિયાન અંતર્ગત સેવા આપી રહ્યા છે. આ સાથે રાજ્યની અનેક NGO પણ તેમા સામેલ છે.