અમદાવાદ : અમદાવાદમાં હવે કૂતરું પાળવું હોય તો લાઈસન્સ લેવું પડશે. અમદાવાદમાં પાળતૂ શ્વાન માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જે મુજબ, 500થી હજાર રૂપિયા ભરીને પાળતુ શ્વાન માટે લાઈસન્સ લેવું પડશે. આ સાથે જ કૂતરાંને પણ RFID ચીપ લગાવવાની રહેશે. તેમજ રખડતાં કૂતરાને હડકવા વિરોધી રસી મુકાવાનો AMC દ્વારા નિર્ણય લેવાયો છે. કૂતરાના માલિકે રસીકરણનું સર્ટી, કૂતરાં રાખવાની જગ્યાનો ફોટો પાડી અપલોડ કરવાનો રહેશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ મેગા સિટી અમદાવાદમાં એક તરફ રખડતા કૂતરાઓનો ત્રાસ યથાવત છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હવે રખડતા કૂતરા અને પાળતુ શ્વાન માટે રેબિઝ ફ્રી સિટી 2030નો પ્લાન બનાવ્યો છે.જેના મુજબ હવે અમદાવાદમાં ઘરમાં શ્વાન પાળવો હોય તો ફરજિયાતપણે લાયસન્સ લેવું પડશે. આ ઉપરાંત પાળતુ શ્વાન માટે કેટલાક અન્ય નિયમો પણ બનાવાયા છે. જો કોઈપણ વ્યક્તિને ઘરે કૂતરો પાળવો હોય તો તેને ફરજિયાતપણે લાઈસન્સ લેવું પડશે. લાઈસન્સ ફી રૂ.500થી 1000ની વચ્ચે હોઈ શકે છે.
શહેરમાં છેલ્લે 2019માં રસ્તે રઝળતાં કૂતરાંની થયેલી ગણતરી મુજબ તેની વસતી અંદાજે 2.30 લાખ હતી. તાજેતરમાં રખડતાં કૂતરાંને હડકવા વિરોધી રસી મુકાશે. પરંતુ એ રસીની અસર એક વર્ષ જ રહેશે. શહેરને હડકવામુક્ત બનાવવું હોય તો દર વર્ષે રસી આપવી પડે. હડકવામુક્ત શહેરમાં રખડતાં કૂતરાંને રઝળતી ગાયોની જેમ RFID ચિપ લગાડાશે. આ માટે મ્યુનિ. 1.80 કરોડ ખર્ચે કરશે. ટેન્ડર પણ બહાર પડાઈ ચૂક્યાં છે.
આ કામગીરી માટે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતાવાળી 14 સભ્યોની કમિટી બનાવાશે, જેઓ સમગ્ર પ્રોજેક્ટ મામલે કરવાની થતી કામગીરીનું મોનીટરીંગ કરશે. રખડતા કુતરાની સમસ્યાને કાબુમાં લેવા વિવિધ વિકલ્પો ઉપર હાલ વિચારણા ચાલી રહી છે. સ્ટ્રીટ ડોગ ઉપરાંત પાળતુ ડોગ મામલે પણ વિવિધ નિયમો બનાવવાની વિચારણા ચાલી રહી છે. જેમાં પાલતુ ડોગની નોંધણી, અન્ય કોઈને આપવાનું થાય તો તેની AMC ને જાણકારી આપવી. પાલતુ ડોગ પર પણ RFID ચિપ લગાવવા સહિતના વિકલ્પો પર વિચારણા ચાલી રહી છે. વર્ષ 2023-24 દરમ્યાન 39882 રખડતા શ્વાનનું ખસીકરણ કરાયું. ટૂંક સમયમાં પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર કરી મંજૂરી અપાશે.
પાળતુ શ્વાન માટેના નિયમો
– કૂતરાના માલિકે ધ્યાન રાખવું પડશે કે તેના કૂતરાથી આસપાસના લોકોને હેરાનગતિ ન થાય
– તેઓ કૂતરાનું ગલુડિયું કોઈને આપે કે વેચે તો તેની મ્યુનિ.ને જાણ કરવાની રહેશે.
– કૂતરાના માલિકની ઘરની બહાર બારકોડ લગાવવાનું આયોજન કરાશે.