અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં જૂના એપાર્ટમેન્ટના રિડેવલપમેન્ટમાં જોરદાર તેજી આવી છે. ત્યારે આવામાં ગુજરાત હાઈકોર્ટે રિડેવલપમેન્ટ મામલે વધુ એક મહત્વનો ચુકાદો આપતા કહ્યું છે કે જો કોઈ સોસાયટીનો એક પણ સભ્ય તેની વિરુદ્ધ હોય તો તેના કારણે રિડેવલપમેન્ટ અટકાવી શકાય નહીં. હાઇકોર્ટે તાજેતરમાં નારણપુરામાં 36 વર્ષ જૂની સોસાયટીના અટવાયેલા પુનર્વિકાસના સંદર્ભમાં આ ચુકાદો આપ્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ નારણપુરામાં નવરંગ સર્કલ પાસે આવેલી ઋતુલ પાર્ક સોસાયટીનું બાંધકામ 1978માં થયું હતું, પરંતુ 12 મેમ્બર્સ ધરાવતી આ સોસાયટી છેલ્લા કેટલાક વર્ષોથી જર્જરિત અવસ્થામાં આવી હતી તેમજ તેને રહેવા માટે અસુરક્ષિત જાહેર કરવામાં આવી હતી.બિલ્ડિંગનું બાંધકામ જોખમી બન્યા બાદ સોસાયટીના સભ્યોએ તેને રિડેવલપ કરવાનું નક્કી કર્યું હતું.
બિલ્ડિંગ અસુરક્ષિત બની જતાં સોસાયટીએ રિડેવલપમેન્ટની પ્રક્રિયા શરૂ કરી હતી, પરંતુ ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા એક સભ્યે તેનો વિરોધ કરતાં દલીલ કરી હતી કે તેમનો ફ્લેટ ગ્રાઉન્ડ ફ્લોર પર હોવાથી તેમને પણ ખુલ્લી જગ્યાનો ઉપયોગ કરવાનો અધિકાર મળ્યો છે. જે રિડેવલપમેન્ટ બાદ શક્ય બનશે નહીં.જેથી રિડેવલપમેન્ટ મામલે કેસ પણ દાખલ કર્યો હતો, પરંતુ હાઈકોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી અને ગુજરાત ઓનરશિપ ફ્લેટ્સ એક્ટ, 1973ની જોગવાઈઓ હેઠળ રિતુલ પાર્ક સોસાયટીના રિડેવલપમેન્ટને મંજૂરી આપી હતી.
ગુજરાત હાઈકોર્ટે સોસાયટીના આ મેમ્બરને મકાન ખાલી કરવાનો નિર્દેશ આપતા જણાવ્યું હતું કે સોસાયટીનાં રિડેવલપમેન્ટનું કામ પૂરૂં ના થાય ત્યાં સુધી તેમને હંગામી ધોરણે બીજી જગ્યાએ રહેવું પડશે, પરંતુ તેને લોસ ઓફ પ્રોપર્ટી ના ગણી શકાય. જસ્ટિસ વી.ડી. નાણાવટીએ પોતાના ચુકાદામાં એ વાતની પણ સ્પષ્ટતા કરી હતી કે રિડેવલપમેન્ટ સોસાયટીના બહુમતિ સભ્યોના ટેકા સાથે તેમના જ હિતમાં થઈ રહ્યું છે, જેનો લાભ સોસાયટીના તમામ સભ્યોને તેમના વ્યક્તિગત પ્રોપર્ટી રાઈટ્સને અસર કર્યા વિના પ્રાપ્ત થશે.
36 વર્ષ જૂની સોસાયટીના રિડેવલપમેન્ટનો માર્ગ સાફ કરતાં ગુજરાત હાઈકોર્ટે પણ પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે જ્યારે એક સભ્ય સિવાય દરેક જણ તેના માટે તૈયાર હોય ત્યારે બહુમતી સભ્યોના નિર્ણયની અસર ન થવી જોઈએ. કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે ખુલ્લી જગ્યાના ઉપયોગના અધિકાર સામે વાંધો ઉઠાવતા સભ્ય દ્વારા દાખલ કરાયેલા કેસને કારણે સોસાયટીના રિડેવલપમેન્ટને રોકી શકાય નહીં.