અમદાવાદ : લોકસભા ચૂંટણીનું આચારસંહિતાનું કડકપણે પાલન થાય એ માટે પોલીસ તંત્ર સક્રિય થઇ ગયું છે.દારૂ જુગારના અડ્ડાઓ અને નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પોલીસની ટિમ કાર્યરત છે. ત્યારે ગાંધીનગર પાસેના અડાલજમાં જાસપુર ગામ જવાના રસ્તા પર કારમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપી લઈને પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે અંદાજે 2 લાખના દારૂના જથ્થા સાથે 7 લાખનો મુદ્દ્માલ કબજે કર્યો હતો. જ્યારે ત્રણ ફરાર આરોપીઓની શોધ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC)ના અધિકારીઓને માહિતી મળી હતી કે અડાલજમાં જાસપુર ગામ જવાના રસ્તા પરથી કેટલાક શખ્સો કારમાં દારૂનો જથ્થો લઈને જવાના છે. માહિતીને આધારે પોલીસે અહીં જાળ બિછાવીને કાર આંતરી હતી. કારમાંથી પોલીસને રૂ.1,90,960 ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને કાર મળીને કુલ રૂ.7,00,960 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કેસમાં પોલીસે કારમાં દારૂ ભરનાર અને ડ્રાઈવર રાજસ્થાનના ખેમરાજ ઉર્ફે નિર્મલ ગોતાભાઈ પટેલની ધરપકડ કરી હતી. જ્યારે અરવિંદ બિશ્નોઈ, કારનો માલિક તથા દારૂની ડિલીવરી લેવા આવનાર મળીને ત્રણ શખ્સોની પોલીસે શોધ હાથ ધરી છે. SMCના પીએસઆઈ જે એમ પઠાણ અને તેમની ટીમે આ કામગીરી બજાવી હતી.