અમદાવાદ: શહેરના રિવરફ્રન્ટ ખાતે સોમવારે એક પરિવારે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક જ પરિવારના વૃદ્ધ માતા, તેમની યુવાન દીકરી, દીકરો અને દીકરીના 6 વર્ષીય પુત્ર સાથે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. જમાઈના ત્રાસથી આખા પરિવારે આપઘાતનો પ્રયાસ કર્યાનું સામે આવ્યુ છે. આ સમયે રિવરફ્રન્ટ વોકવે પર હાજર લોકો અને કિન્નર તથા ફાયરબ્રિગેડની ટીમે ચારેય લોકોને બચાવી લીધા હતા. આ મામલે હવે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આગળની કાર્યવાહી કરીને તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરની સાબરમતી નદીમાં સોમવારે એક પરિવારે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અમદાવાદના ભુદરપુરા વિસ્તારમાં વસવાટ કરતા એક જ પરિવારના ચાર સભ્યોએ નદીમાં મોતની છલાંગ લગાવી હતી. જોકે તે સમયે રિવરફ્રન્ટ વોકવે પર હાજર લોકો અને કિન્નર તથા ફાયરબ્રિગેડની ટીમે ચારેય લોકોને બચાવી લીધા હતાં. પ્રાથમિક તબક્કે કોઈપણ સુસાઇડ નોટ પોલીસને મળી આવી નથી. જે મામલે હવે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે તપાસ હાથ ધરી છે.
સોમવારના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પર ચંદ્રનગર તરફના વોકવે પરથી બે મહિલા, એક પુરુષ અને છ વર્ષના બાળકે નદીમાં પડતું મુકીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ સમયે રિવરફ્રન્ટ વોકવે પર અનેક લોકો હાજર હોવાથી ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. આ અંગેની જાણ કરાતા ફાયરબ્રિગેડની ટીમ પણ ત્યાં આવી પહોંચી હતી. ફાયરની રેસ્ક્યૂ ટીમે અન્ય લોકોને બચાવી લઈ નદીમાંથી બહાર કાઢ્યા હતા. જેથી આખા પરિવારને લોકોની હિંમત અને ફાયર બ્રિગેડની ટીમે બચાવી લીધો હતો.