અમદાવાદ: શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતી યુવતી સાથે હિંદુ હોવાની ઓળખ આપીને એક યુવકે મિત્રતા કરી હતી. જે બાદ લગ્નની લાલચ આપીને શારિરીક સંબધ બાંધ્યો હતો.જો કે એકવાર યુવકની દારૂ ભરેલી કાર ઝડપાઇ હોવાની સાથે યુવક વિધર્મી હોવાનું જાણવા મળતા યુવતીએ તેની સાથે સંબધ કાપી નાખ્યો હતો.પરંતુ આરોપી સંબંધ રાખવા દબાણ કરીને ધમકીઓ આપતો હતો. જેને વશ થઇને યુવતી તેની સાથે બહાર ગઇ ત્યારે આરોપીએ બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે સોલા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં રહેતી 27 વર્ષીય યુવતી એક હોસ્પિટલમાં નર્સ છે. દોઢેક વર્ષ પહેલા મિત્ર મારફતે તેને કડીના અલ્ફાઝ કાઝી સાથે મિત્રતા થઇ હતી અને બાદમાં બંને વચ્ચે વાતો તથા મુલાકાતો શરૂ થઇ હતી.એક દિવસ આ યુવતી અલ્ફાઝ કાઝી સાથે મહેસાણા જઇ રહી હતી ત્યારે અલ્ફાઝે તેની દારૂ ભરેલી ગાડી પકડાઇ હોવાનું કહેતા યુવતી ચોંકી ગઇ હતી. અલ્ફાઝ દારૂનો ધંધો કરતો હોવાથી યુવતીએ તેની સાથે બોલવાનું ઓછુ કરી નાખ્યુ હતું. જેથી અલ્ફાઝ મિત્રતા રાખવા દબાણ કરીને ઘરે આવીને મારવાની ધમકી આપતો હતો.
ગત તા.17 મે ના રોજ અલ્ફાઝ યુવતીના ઘરની બહાર આવ્યો ત્યારે યુવતીએ તેની સાથે જવાની ના પાડી હતી. પણ અલ્ફાઝ બદનામી કરશે તેવા ડરથી યુવતી તેની સાથે ગાડીમાં બેસીને નીકળી ત્યારે અલ્ફાઝે કડી ખાતે ગેસ્ટહાઉસમાં તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. થોડા દિવસ બાદ ફરીથી અલ્ફાઝે મળવાનું કહેતા યુવતી એ મનાઇ કરતા અલ્ફાઝ તેના ઘર નીચે આવીને વીડિયો કોલ કરીને મારી નાખવાની ધમકી આપીને ફોટો વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. આખરે કંટાળીને યુવતીએ આ મામલે પરિવારજનો અને પોલીસને જાણ કરતા સોલા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


