અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.અમદાવાદમાં બેફામ ડમ્પરે વધુ એક અકસ્માત સર્જયો હતો. શહેરના અનુપમ-ખોખરા પાસે મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જ્યાં એપરલ પાર્ક ચાર રસ્તા પાસે ડમ્પરે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલકનું મોત થયું હતું.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા અને મણિનગર ખાતે રેલવે RPFમાં ASI તરીકે ફરજ બજાવતા સત્યેન્દ્ર ચૌધરી ડયૂટી પુરી કરી બાઈક લઇ ઘર તરફ જવા નીકળ્યા હતા. ત્યારે અનુપમ-ખોખરા ઓવરબ્રિજના વળાંક સમયે સલાટનગરની સામે ડમ્પર ચાલકે તેઓના બાઈકને ટક્કર મારતા તેઓ આગળના વ્હીલમાં આવી ગયા હતા. તેઓનો ડાબો પગ કપાઈ જવા સાથે માથામાં ગંભીર ઈજા સાથે તેને લોહીલુહાણ હાલતમાં 108માં હોસ્પિટલ લઈ જવાયા હતાં. જોકે આજે સવારે તેનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજીયું હતું. આ મામલે H ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધી ધરપકડ કરવાની તપાસ શરૂ કરી છે.
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે 108 એમ્બ્યુલન્સને આવી ગઈ હતી અને પોલીસની હદની માથાકૂટમાં તેઓને તરત જ સારવાર માટે લઈ જવામાં આવ્યા નહોતા.ગોમતીપુર અને અમરાઈવાડી પોલીસ હદને લઈને રકઝક કરતી રહી હતી. નજીકમાં ચાલતા બુલેટ ટ્રેનના કામકાજને લઈને આ માર્ગ પરથી દિવસ-રાત ડમ્પરની અવરજવર રહેતી હોવાથી સ્થાનિકોએ સલાટનગરના બન્ને સાંકડા બની ગયેલા સર્વિસ રોડ પર ભારે વાહનોની અવરજવર પર રોક લગાવવાની માંગ કરી છે.