અમદાવાદ : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને હજુ માંડ મહિનો પૂરો થયો છે ત્યારે હજુ પણ આગના બનાવો બનવાના કિસ્સા સામે આવી રહ્યા છે. શહેરના નારોલ વિસ્તારમાં આવેલ ડિવાઇન લાઈફ ઇન્ટરનેશલ સ્કૂલમાં આગ લાગવાની દુર્ઘટના બની હતી. શાળામાં આગ લાગતા બાળકો ફસાઈ ગયા હતા. જો કે બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરમાં નારોલ વિસ્તારમાં આવેલ એક શાળામાં આગ લાગવાની દુર્ઘટના બનતા લોકો નાસભાગ કરવા લાગ્યા. નારોલ વિસ્તારની ડિવાઇન લાઈફ સ્કૂલમાં આગ દુર્ઘટના સમયે 1500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. શાળામાં આગ લાગતા તરત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ચાલુ શાળાએ આગની ઘટના બનતા ફાયર વિભાગની ગાડીઓ ગણતરીના સમયમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી બાળકોને સુરક્ષિત બહાર કાઢયા.
નારોલ વિસ્તારમાં ચાલુ શાળાએ આગ લાગવાની ઘટનામાં ફાયર વિભાગની તાત્કાલિક કાર્યવાહીથી મોટો જાનહાનિ ટળી હતી. શાળામાં ફાયર સેફ્ટીને લઈને પૂરતું ધ્યાન આપવામાં આવ્યું હોવાની એક વાલીએ લેખિતમાં જાણ કરી છે. તેમજ શાળાએ કોઈ પ્રકારનો વીમો નથી તે પણ જણાવ્યું. પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે.
સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. હાલ આ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આ સાથે ફાયરની ટીમે આ અંગેની વધુ કાર્યવાહી હાથ ધરી છે.