અમદાવાદ : અમદાવાદના નારણપુરામાં 19 વર્ષીય યુવકે પોતાના ઘરના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. યુવકને પ્રેમ સબંધ બાબતે માતા-પિતાએ ટોકતા યુવકને લાગી આવ્યું હતું, જેથી યુવકે ઘરે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. પરિવારને જાણ થતાં પોલીસને જાણ કરી હતી. નારણપુરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી પત્રકાર કોલોનીમાં રહેતા 19 વર્ષીય પાશ્વ શાહ નામના યુવકે આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, પ્રેમ પ્રકરણમાં પાશ્વ શાહે ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ગત રાતે પાશ્વ શાહનાં માતા-પિતાએ પ્રેમલગ્ન કરાવવાની ના પાડી હતી અને ઠપકો આપ્યો હતો.
આ અંગે નારણપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.જે ચાવડાએ જણાવ્યું હતું કે માતા-પિતાની વાતનું મનમાં લાગી આવતા પાશ્વ શાહે ઘરના રૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ મામલે નારણપુરા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, વિદ્યાર્થી પાશ્વ શાહનાં આપઘાતથી પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે.