અમદાવાદ : શહેરમાં આજથી ગણેશોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. શહેરના સોસાયટીના પંડાલ અને ભાવિકોએ પોતાના ઘરે સ્થાપન કરેલા ગણેશજી પૂજા-અર્ચના કરવામાં આવશે. 10 દિવસ ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવશે. અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણેશને વાજતે-ગાજતે વિદાય આપવામાં આવતી હોય છે ત્યારે ગણેશ વિસર્જન માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 48 જગ્યા પર 51 જેટલા વિસર્જનકુંડ બનાવવામાં આવ્યા છે.
શહેરના સાબરમતી રિવરફ્રન્ટ, ઇન્દિરા બ્રિજ છઠ્ઠઘાટ, મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટ, તેમજ અલગ-અલગ તળાવોની બાજુમાં આવેલી જગ્યાઓમાં વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. ગણેશ વિસર્જનના દિવસે 6 સ્થળો પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાએ ભગવાન ગણેશના વિદાય સમય તેમનું સ્વાગત અને પૂજા કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 48 સ્થળોએ જે 51 કુંડ અને વિસર્જનના દિવસે સ્વાગત સ્ટેજ બનાવવામાં આવશે તેની પાછળ અંદાજિત 80થી 90 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ગણેશ વિસર્જન માટે કુંડ બનાવવામાં આવતા હોય છે. ચાલુ વર્ષે પણ વિવિધ જગ્યાએ વિસર્જન કુંડ બનાવવામાં આવશે. અલગ-અલગ સાઈઝના નાના-મોટા વિસર્જન કુંડ બનાવવામાં આવશે. 5 દિવસમાં વિસર્જનકુંડ બનીને તૈયાર થઈ જશે. દર વર્ષની જેમ વિસર્જન સમયે મૂર્તિ પધરાવવા તેમજ બહાર નીકાળવા માટે તંત્ર દ્વારા ક્રેઈનની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.
ગણેશ સ્થાપના કરનાર સંસ્થા કે યુવક મંડળ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઇકો ફ્રેન્ડલી મૂર્તિ સહિત વિવિધ પ્રકારની ગાઈડલાઈન મુજબ ગણેશ ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હશે. જે અલગ-અલગ કેટેગરી પ્રમાણે પ્રથમ ત્રણ શ્રેષ્ઠ ગણેશ પંડાલને 51000થી લઈ 21000 સુધીનું ઈનામ આપવામાં આવશે.