અમદાવાદ : અમદાવાદમાં બુટલેગરના પુત્રને કેટલાક શખ્સો દ્વારા માર મારવામાં આવ્યા બાદ કુખ્યાત પિતાએ કૃષ્ણનગર અને નરોડા વિસ્તારને બાનમાં લીધો હતો. કુખ્યાત ધમા બારડ સહિતના અન્ય લોકોની ગાડીઓના કાચ ફોડવામાં આવ્યા હતા.અમદાવાદ પોલીસની PCR વાન અસામાજિક તત્ત્વો ગાડીની તોડફોડ કરતા હતા આ દરમિયાન તેમની પાસેથી જ પસાર થઇ હતી અને જતી રહી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના કુખ્યાત બૂટલેગર કિશોરસિંહ રાઠોડનો દીકરો અજીતસિંહ ગુરુવારે રાત્રે પોતાની હોટલ બંધ કરીને ઘરે જઈ રહ્યો હતો. રાત્રે દોઢેક વાગ્યાના અરસામાં તેની શ્યામ વિહાર સોસાયટીના દરવાજા પાસે પહોંચ્યો હતો. આ સમયે અચાનક એક મર્સિડીઝ કાર આવી અને ડિપર માર્યું હતું. જેથી અજીતસિંહે કાર રોકાવીને કેમ ડિપર માર્યુ તેમ કહ્યું હતું. અજીતસિંહ આટલું બોલતાની સાથે જ એક શખ્સે કારમાંથી ઉતરીને અજીતસિંહના માથામાં લાકડી ફટકારી દીધી હતી.
જે બાદ કારમાં બેઠેલા અન્ય શખ્સે કોઇને ફોન કરતાં થોડીક જ મિનિટોમાં બ્લેક કલરની અન્ય એક કાર આવી. જેમાં આવેલા કુખ્યાત ધમા બારડ અને તેના બે સાગરીતોએ અજીતસિંહને ઢોર માર મારી કારમાં અપહરણ કરીને લઇ ગયા હતા. થોડેક દૂર લઇ જઇને અજીતસિંહને ફરીથી માર માર્યો હતો. આ દરમિયાન અજીતસિંહના કોઇ ઓળખીતા આવી જતાં ધમા બારડ સહિત પાંચેય જણા ત્યાંથી ફરાર થઈ ગયા હતા.ત્યારબાદ ઘાયલ અજીતસિંહે હોસ્પિટલમાં સારવાર બાદ આ મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ધમા બારડ સહિત ચારથી વધુ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.
બુટલેગરના દીકરાના અપહરણ બાદ પિતાએ કૃષ્ણનગર અને નરોડા વિસ્તાર બાનમાં લીધો હતો. દીકરાનું અપહરણ થયું છે તે વાતની જાણ પિતા કિશોરસિંહ રાઠોડને થતા કૃષ્ણનગર અને નરોડા વિસ્તારને બાનમાં લીધો હતો અને કુખ્યાત ધમા બારડ સહિતના વિસ્તારમાં અન્ય લોકોની ગાડીઓના કાચ ફોડી નાખવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના ઘટી ત્યારે અમદાવાદ પોલીસની PCR વાન પણ ત્યાથી પ્રસાર થઇ હતી પણ અસામાજિક તત્વો ગાડીઓના કાચ ફોડતી દેખાઇ નહતી.જોકે, આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થતા અમદાવાદ શહેરની સુરક્ષા સામે પણ સવાલ ઉભા થયા છે.