અમદાવાદ : ટ્રાફિક નિયમો મુજબ, મોટર વાહન ચલાવવા માટે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરવાની લઘુત્તમ ઉંમર 18 વર્ષ છે. પરંતુ, ઘણી વખત એવું જોવા મળે છે કે આ નિયમનું પાલન થતું નથી અને તેનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે. જેથી અમદાવાદ ગ્રામ્ય DEO દ્વારા સ્કૂલોને પરિપત્ર કરીને જાણ કરવામાં આવી છે કે સ્કૂલમાં આવતાં બાળકો નિયમ વિરુદ્ધ વાહન લઈને આવતાં હોય તો તેમને અટકાવી દેવાં. આગામી અઠવાડિયામાં DEO દ્વારા ટ્રાફિક-પોલીસ અને RTO સાથે મળી ડ્રાઇવ યોજવામાં આવશે, જેમાં નિયમ વિરુદ્ધ વાહન લઇને આવતાં બાળકોનાં માતા-પિતા સામે કાર્યવાહી કરવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ ગ્રામ્ય DEO કૃપા ઝાના જણાવ્યા મુજબ, એમવી એક્ટ મુજબ 125 સીસી કરતાં વધુના વાહનો બાળકોને ચલાવવાની મંજૂરી નથી છતાં વિદ્યાર્થીઓ વાહનો લઈને સ્કૂલે આવે છે, જેના કારણે બાળકો, વાલી અને સ્કૂલની સલામતી જોખમમાં મુકાય છે, જેથી અમે પરિપત્ર કર્યો છે કે જે પણ વિદ્યાર્થીઓ અનઅધિકૃત વાહનો લઈને આવે તો સ્કૂલના આચાર્યએ વાલીઓને અવગત કરવાના રહેશે. આગામી સમયમાં અમે RTO અને ટ્રાફિક-પોલીસની મદદથી ડ્રાઇવ ચલાવીશું. સૂચના આપ્યા બાદ પણ કોઈ બાળક વાહન લઇને સ્કૂલે આવતું હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
DEO દ્વારા માત્ર સ્કૂલની બહાર જ નહિ, પરંતુ સ્કૂલની અંદર પણ ડ્રાઇવ યોજવામાં આવશે. સ્કૂલના પાર્કિગમાં જે વાહનો હશે એમાં બાળકોનાં વાહનો હશે તો સ્કૂલની અંદર જઈને તપાસ કરવામાં આવશે. બાળક વાહન ચલાવતા ના ઝડપાય, પરંતુ સ્કૂલે વાહન લઈને આવ્યું હશે એ જાણ થાય તો એ અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે. એક અઠવાડિયા સુધી સ્કૂલે તમામ બાળકો અને વાલીઓને આ અંગે જાણ કરવાની રહેશે. ત્યાર બાદ DEO દ્વારા અલગ અલગ સ્કૂલોમાં RTO અને પોલીસ સાથે મળીને સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે.
જો તમારું બાળક 18 વર્ષથી ઓછી ઉંમરનું છે, તો તેને મોટરસાઇકલની ચાવી ન આપવી શ્રેષ્ઠ છે. આવું ક્યારેય ન થવું જોઈએ પણ જરા વિચારો કે જો તમારું બાળક અકસ્માતમાં સપડાય તો શું થશે? જો તમારી પાસે મોટર વાહન વીમા પોલિસી હોય, તો પણ તેનો કોઈ ઉપયોગ થશે નહીં કારણ કે તમે કોઈ દાવો કરી શકશો નહીં. વાસ્તવમાં, જો કોઈ સગીર વાહન ચલાવતો હોય, તો તેને વીમાના લાભો લાગુ પડતા નથી. આ કિસ્સામાં કોઈ દાવો કરી શકાતો નથી.